ભરૂચ શહેર અને જિલ્લામાં હવે હોળીએ લાકડાનું દહન ઘટી રહ્યું છે. જેને લઈ હજારો મણ લાકડાંના વેચાણમાં પણ આ વર્ષે ઘટાડો નોંધાયો છે. પાછલા ચાર-પાંચ વર્ષથી લોકો પ્રાકૃતિક અને વૈદિક હોળી તરફ વધતાં લાકડાની ખપત ઓછી થઈ રહી છે. લાકડાંના વેપારીઓ હવે પેહલા કરતાં હોળીએ વ્યવસાય ઓછો થઈ રહ્યો હોવાનો ખેદ વ્યક્ત કરી રહ્યા છે.
હિંદુઓના તહેવારો હવે ઇકો ફ્રેન્ડલી અને પ્રકૃતિમય વધુ બની રહ્યાં છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીનો બચાવ સાથે લાકડાંનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ સોસાયટી વચ્ચે સામુહિક એક જ હોળી, પ્રાકૃતિક, વૈદિક હોળીના પાછલા ચારથી પાંચ વર્ષમાં વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાંના ભાવોમાં માત્ર એક રૂપિયાનો વધારો થયો છે પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં 70 વર્ષ ઉપરાંતથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, લાકડાંનો કિલોનો ભાવ 8 રૂપિયા અને મણના 160 છે પણ વેચાણમાં ભારે ઘટાડો છે. જેની પાછળ વૈદિક, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કરણભૂત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.