ભરૂચમાં હવે મોડે મોડે ઠંડીએ જમાવટ કરતા કાતિલ ઠંડી સાથે શીતલહેરોએ જિલ્લાવાસીઓનું થર થર કાપતા કરી દીધા છે. વર્ષ 2022ના અંતમાં 28 ડિસેમ્બરે ભરૂચ જિલ્લામાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું.
મંગળવાર નવા વર્ષે સિઝનનો સૌથી કોલ્ડેસ્ટ દિવસ પુરવાર થયો હતો. ઉત્તર પૂર્વમાંથી પ્રતિ કલાક 20 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલ કાતિલ ઠંડા પવનોએ શહેર અને જિલ્લાવાસીઓને થર થર ધ્રુજતા કરી દીધા હતા. ઠંડીનો પારો 12 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે બુધવારે બપોરે મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહ્યું હતું. આ વખતે ઠંડી શરૂઆતના બે મહિના ગાયબ રહ્યા બાદ પાછળથી જમાવટ કરી રહી છે. અચાનક બર્ફીલા પવનો સાથે ઠંડીનું જોમ વધતા લોકો ઘર વસ્ત્રોની ઓથ લેતા નજરે પડી રહ્યા છે. જ્યારે ફૂટપાથ ઉપર રહેતા અને બેઘરોની હાલત દયનિય બની રહી છે. ઠંડીથી બચવા હવે તાપણાઓ પણ ઠેર ઠેર જામી રહ્યાં છે.
આ વખતે રાજ્યભરમાં ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ નહિ સર્જાતા શરૂઆતમાં ઠંડી અદ્રશ્ય જોવા મળી હતી. જે બાદ વિદાય લેતા વર્ષ 2022 સાથે ઉત્તર ભારતમાં હિમ વર્ષા શરૂ થતાં મેદાની પ્રદેશો અને ગુજરાતમાં હવે ફૂલ ગુલાબી ઠંડી સાથે છેલ્લા એક સપ્તાહથી શિયાળો જમાવટ કરી રહ્યો છે.
મોડે મોડે પણ ઠંડી નીકળતા શિયાળુ પાક કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. પ્રારંભે ઠંડી નહિ પડતા ઘઉં સહિતના પાક ઉપર કંઠી નહિ બેસતા ઉત્પાદન ઓછું થવાની અસર વર્તાય રહી હતી. આગામી એક સપ્તાહમાં હજી કાતિલ ઠંડીનું મોજુ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરાયણ ઉપર પણ સુસવાટા મારતા પવનોની યારી રહે તેમ પતંગ રસિકો ઇચ્છી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.