એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ:ભરૂચમાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે બાડોદરા ગામની મહિલાની રસ્તામાં સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રસુતી વખતે બાળકના ગળામા નાળ વીંટળાયેલો હોવાથી ડોક્ટરની સલાહ લઈ નાળને કાઢીને બાળકનો જીવ બચાવ્યો
  • ઈએમટી અને પાઈલોટની કામગીરીને હોસ્પિટલના સ્ટાફ, મહિલાના પરિવારજનો સહિતનાઓએ બિરદાવી

ભરુચમાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા હાંસોટ તાલુકાનાં બાડોદરા ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહી હતી. જોકે, રસ્તામાં ડીલીવરીનાં લક્ષણો જણાતા એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા રસ્તામા સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી હતી.

હાંસોટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાડોદરા ગામની સગર્ભા મહિલાને વધુ તકલીફ હોવા સાથે અપૂરતા મહિનાને પગલે વધુ સારવાર માટે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવી પડે તેવી પરિસ્થિત સર્જાઈ હતી.

આ દરમિયાન ડોકટરે 108 ‍ એમ્બ્યુલન્સમાં જાણ કરી હતી. જેથી 108 એમ્બ્યુલન્સના ઈએમટી હિતેશ પટેલ અને પાઇલોટ સુલતાન ગોહિલ તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સગર્ભા મહિલાને લઇને ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા હતા. તે વખતે અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે પહોંચતા ઈ.એમ.ટી. હિતેશભાઈને મહિલામાં ડીલીવરીનાં લક્ષણો જણાતા એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી ઇએમટી અને પાયલોટે એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક પ્રસુતિ કરાવી હતી.

જે પ્રસુતી વેળા બાળકના ગળામા નાળ વીંટળાયેલો હોવાથી અમદાવાદ 108 આોફિસમાં બેઠેલા ડોક્ટરની સલાહ લઈને બાળકના ગળામાથી હેમખેમ નાળને કાઢીને બાળકનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવી હતી. જે બાદ બાળકીના જન્મ સમયે બાળકી કોઈ પણ પ્રકારની હલનચલન નહીં કરતાં ઈએમટી હિતેષ પટેલે ફરી ડોક્ટરની સલાહ મુજબ સારવાર આપી બાળકને નવું જીવન અપાવ્યું હતું.

મહિલાએ દીકરીનો જન્મ આપ્યો હોવાની જાણ પરિવારમાં થતા પરિવારજનો ખુશ ખુશાલ થઈ ઉઠ્યા હતા. હાલ મહિલા અને બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યાં છે. 108 એમ્બુલન્સના ઈએમટી અને પાઇલોટની કામગીરી હોસ્પિટલના સ્ટાફ, મહિલાના પરિવારજનો તેમજ 108ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...