જીત છતાં જશ્ન નહિં:ભરૂચ તાલુકાની બંબુસર ગ્રામ પંચાયતમાં મૃતક સરપંચની પેનલના ચારેય સભ્યો વિજેતા, સરપંચ ઉમેદવારના મૃત્યુને લઈ જીતનું જશ્ન નહિ પણ ગમનો માહોલ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેનલના 4 સભ્યો વિજેતા, જેમાં આબીદ પટેલને 100 ટકા મત મળ્યા
  • શુક્રવારે નમાઝ પઢતી વખતે જ હાર્ટ એટેકનો હુમલો આવતા 54 વર્ષીય સરપંચ પદના ઉમેદવાર ઢળી પડતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચૂંટણી પેહલા જ કરુણાંતિકા સર્જાઈ હતી. છેલ્લી 4 ટર્મથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા 54 વર્ષીય ઉસ્માન પટેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, આજે મતગણતરીમાં મરહુમ સરપંચની પેનલના ચારેય સભ્યો વિજતા જાહેર થયા હતા. જેમાંથી એક સભ્યને તો 100 ટકા મત મળ્યા હતા, પરંતુ ગામમાં સરપંચ પદના ઉમેદવારનું મૃત્યુને લઈ ગામમાં જીતનું જશ્ન નહિ મનાવવાનો નિર્ણય લેવાયો છે.

4 ટર્મથી ઉસ્માનભાઈ પટેલ બિનહરીફ તરીકે ચૂંટાતા હતાં

ભરૂચ તાલુકાનું બંબુસર ગામ 1200 ની વસતિ ધરાવે છે. ગામમાં છેલ્લા 20 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ગામ લોકો 4 ટર્મથી 54 વર્ષીય ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને બિનહરીફ તરીકે ચૂંટતા હતાં અને ગામમાં અનેક વિકાસના કામો પણ તેઓએ કર્યા હતા. જોકે, આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ સમીકરણો હતાં. 20 વર્ષ પછી ગામમાં ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયુ હતું. સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલે ઉમેદવારી નોંધાવી હતી. વિકાસશીલ પેનલમાંથી ઉમેદવારી કરનારા ઉસ્માનભાઈ શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદમાં ગયા હતા. નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર સાંજે શાંત થવાનો હતો. તે પેહલા જ સરપંચ પદના ઉમેદવારના નિધનથી ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મરહુમ સરપંચની પેનલના ચારેય સભ્યો વિજેતા
આજે મંગળવારે મત ગણતરીમાં મરહુમ સરપંચની પેનલના ચારેય સભ્યો વિજેતા થતા તેઓમાં ખુશીના બદલે ગમનો માહોલ હતો. સભ્યોએ જીતનું જશ્ન નહિ મનાવવાનું નક્કી કર્યું હતું. ગામમાં હજી પણ 20 વર્ષથી બિનહરીફ રહેતા સરપંચની અણધારી વિદાયને લઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...