ACBની સફળ ટ્રેપ:અંકલેશ્વરમાં સબ રજિસ્ટ્રાર 8 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, દસ્તાવેજમાં સહી કરી આપવા માટે માગી હતી લાંચ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સબ રજિસ્ટ્રારને ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં
  • લાંચને લઈ સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો

અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગભાઇ રથવીને ACB એ બુધવારે ₹8000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફરિયાદીના દસ્તાવેજમાં સહી કરી આપવા બદલ લાંચની માગણી કરવા મુદ્દે ACBમાં ફરિયાદ નોંધાતા એસીબીએ છટકુ ગોઠવી સબ રજિસ્ટ્રારકને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર તાલુકાના એક રહીશ દસ્તાવેજના કામ સબ રજિસ્ટ્રાર કચેરીએ ગયા હતા. જ્યાં દસ્તાવેજમાં સહી કરી આપવાના અવેજ રૂપે સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગ રથવીએ લાંચની માંગણી કરી હતી. બાદમાં ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકુ ગોઠવી અંકલેશ્વર તાલુકાના સબ રજિસ્ટ્રાર પ્રતાપ જેસિંગભાઇ રથવીને રૂપિયા 8 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યાં હતા.

આ બનાવમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી આ અંગે એન્ટી કરપશન બ્યુરોમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદના આધારે બુધવારે અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીએ ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં રૂપિયા 8 હજારની લાંચ લેતા પ્રતાપ રથવી રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ટ્રેપનું આયોજન પી.આઈ. બી.ડી. રાઠવા દ્વારા કરાયું હતું. સબ રજિસ્ટ્રાર લાંચ લેતા પકડાતા જિલ્લાની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.

સરકારી લોકો ઘણી વાર લાંચ લેતા પકડાતા હોય છે. ત્યારે ગઈકાલે મંગળવારે પણ એસીબીની ટ્રેપમાં પાટણ અને જામનગર જિલ્લામાંથી બે સરકારી કર્મચારીઓ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા છે. પાટણમાં માલિકીની જમીનમાં સોલાર પ્લાન્ટ નાખવા સારું ભાડેથી આપવાની અરજીમાં તપાસ અર્થે આવેલો સર્વેયર અધિકારી રૂપિયા 10 હજારની અને જામનગરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો કર્મચારી રૂપીયા 500ની લાંચ લેતાં ઝડપાયો છે.

અન્ય સમાચારો પણ છે...