તલાટીઓની ફરિયાદ:ભરૂચમાં 25 દિવસમાં હુમલાના 3 બનાવથી તલાટીઓ લાલઘૂમ

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીમાં જતાં ડર લાગતો હોવાની તલાટીઓની રાવ

ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આપવામાં આવેલાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં હીરલબેન પટેલ સાથે માજી સરપંચે કચેરીમાં આવી અસભ્ય વર્તન કરી તકરાર કરી હતી. તેવી જ રીતે વાગરાના જાગેશ્વરમાં પણ તલાટીને ધમકી આપવામાં આવી હતી.

છેલ્લા 25 દિવસમાં તલાટીઓ સાથે મારામારી તથા ધમકી આપવાના 3 જેટલા બનાવો બની ચુકયાં છે. વધુમાં ભરૂચ જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવી રહેલાં તલાટીઓ અન્ય જિલ્લાઓના વતની છે. તેઓ પરિવારથી દુર ભરૂચમાં એકલા રહી નોકરી કરી રહયાં છે ત્યારે તેમના પરિવારજનો પણ ચિંતાતુર બન્યાં છે.

સરકારની દરેક યોજનાના અમલીકરણમાં તલાટીઓ પાયાની ભુમિકા ભજવે છે ત્યારે તલાટીઓ પર હુમલાઓ તથા તેમને ધમકી આપવાના બનાવો રોકવા જરૂરી છે. ભરૂચ જિલ્લામાં બનેલાં બનાવોમાં આરોપીઓ સામે કાર્યવાહી થાય તથા ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે તલાટીઓને સુરક્ષા પુરી પાડવાની માગ મંડળે કરી છે. આવેદનપત્ર આપતી વેળા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ જયોર્જ મેકવાન તથા અન્ય હોદ્દેદારો અને સભ્યો હાજર રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...