ભરૂચ જિલ્લાના આમોદના મુળ વતની અને હાલ ઇગ્લેન્ડના આસ્ટનમાં રહેતાં વિમલ ચોકસીનું લાયન્સ કલબ ઓફ ભરૂચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિમલ ચોકસીને બ્રિટીશ એમ્પાયર એેવોર્ડથી નવાજવામાં આવ્યાં છે. યુનાઇટેડ કિંગડમમાં રાણીના જન્મદિવસે ત્રણ સર્વોચ્ચ એવોર્ડની જાહેરાત કરવામાં આવતી હોય છે. બ્રિટીશ એમ્પાયર એવોર્ડ મેળવનાર વિમલ ચોકસી પ્રથમ ભારતીય અને એશિયન છે.
ઇગ્લેન્ડના વડાપ્રધાન બનવા માટે ભારતીય મુળના રૂષિ સુનક રેસમાં સૌથી આગળ ચાલી રહયાં છે તેવામાં ભરૂચના એક યુવાને પણ ઇગ્લેન્ડના રાજકારણમાં કાઠુ કાઢયું છે. મુળ આમોદના વતની એવા વિમલ પ્રવિણભાઇ ચોકસી ઘણા વર્ષોથી ઇગ્લેન્ડના આસ્ટન શહેરમાં સ્થાયી થયાં છે. વિદ્યાનગરમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ડીગ્રી મેળવ્યા બાદ તેઓ વધુ અભ્યાસ માટે યુનાઇટેડ કિંગડમ ગયાં હતાં. જયાં બોર્નમાઉથ યુનિવર્સીટીમાંથી તેમણે ઇન્ટરનેશનલ બિઝનેશ એડમિનિસ્ટ્રેશનની ડીગ્રી મેળવી છે.
સામાજીક કાર્યોમાં અગ્રેસર રહેતાં વિમલ ચોકસીએ ત્યાંની સ્થાનિક લેબર પાર્ટીમાં જોડાઇને રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેઓ આસ્ટન શહેરમાં કાઉન્સીલર તરીકે પણ ચુંટાયા છે. ઓલ્ડહામ અને આસ્ટન શહેરમાં સમાજ અને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ સેવાઓ પ્રદશાન કરવા બદલ તેમને બ્રિટિશ એમ્પાયરના ત્રણ પૈકી મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ વતનની મુલાકાતે છે ત્યારે લાયન્સ કલબ ઓફ ભરૂચ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિમલ ચોકસીએ જણાવ્યું હતું કે, ઘરઆંગણે સન્માન થવું એ ગૌરવની બાબત છે.
એક ભારતીય અને ખાસ કરીને ભરૂચવાસી તરીકે વિદેશમાં નામના મેળવવીએ સન્માનની બાબત છે અને તેના પાછળ મારા પરિવારની હિમંત અને હુંફએ મને પ્રોત્સાહન પુરૂ પાડયું છે. આ અવસરે ઉપસ્થિત રહેલાં BAPS સ્વામીનારાયણ મંદિર ભરૂચના કોઠારી સ્વામી અનિર્દેશ સ્વામીએ પણ આ અવસરે ઉપસ્થિત રહી વિમલ ચોકસીને બિરદાવી ભવિષ્યમાં વધુ સફળતા માટે આર્શીવચન આપ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.