અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં આવેલી સિલ્વર સિટી ફેલટમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની ઘર આંગણે રમતી અને ગત 25 જાન્યુઆરીના રોજ ગુમ થયેલી 9 વર્ષિય બાળકી રૂક્સાના આરીફ અંસારીનું અપહરણ થયું હોવાની પરિવારે આશંકા વ્યક્ત કરતાં સ્થાનિક પોલીસે અલગ અલગ પ્રકારે તપાસહાથ ધરી હતી.
આ કથિત અપહરણ કેસમાં ચાર મહિના બાદ પણ બાળકીનો કોઈ પત્તો નહીં મળતાં ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને હાઇકોર્ટે સમગ્ર બનાવની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેના નિર્દેશ કર્યા હતા.
છેલ્લા ચાર મહિનાથી ગુમ અંકલેશ્વરની રૂક્સાનાનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે પણ બાળકીના પરિવારની મુલાકાત લઈ આ સંવેદનશીલ અને અતિ ગંભીર મામલે લોકોને રૂક્સાનાની ભાળ મેળવવા અપીલ કરી હતી. સાથે ભરૂચ જિલ્લા પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવા તમામ રીતે પ્રયાસો અને તપાસ હાથ ધરાઈ હતી.
બીજી તરફ દીકરી ગુમ થવાથી વ્યથિત માતા પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન કરી હતી. એટલે કે બાળકી ગમે ત્યાં હોય તેને શોધી લાવવાની આ દરખાસ્ત હાઇકોર્ટે મંજુર કરી દીધી છે. બાળકીના અપહરણ કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપાઈ છે.
ગત 14 એપ્રિલે જિલ્લા પોલીસવડા પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા
ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે ચાર્જ સંભાળતા જ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગાજ વરસાવી કડક અધિકારી તરીકેની ઓળખ ઊભી કરી હતી. જેની સામે અંકલેશ્વરમાં તેમની સંવેદનશીલ અધિકારી તરીકેની ભૂમિકામાં જોવા મળી હતી. મીરા નગર વિસ્તારમાં સિલ્વર સિટી બિલ્ડિંગમાંથી 9 વર્ષિય રૂકસાના જાન્યુઆરીમાં ગુમ થઇ હતી. જેને અઢી મહિના વીતી જવા છતાં કોઈ પત્તો લાગ્યો નહોતો.
આ કેસ જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલના ધ્યાને આવતા તેઓ પ્રથમ વિભાગ માંથી કેસ અંગે ની માહિતી મેળવી હતી. અને જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ની સંવેદનશીલતા, ગુમ બાળકી ઘરે પહોંચી પરિવાર સાથે મુલાકાત કરી હતી. અન્ય બાળકો જેની સાથે રુકસાર રમતી હતી તમેની સાથે પણ વાતચીત કરી હતી તેમજ સ્થળ વિગતો મેળવી હતી.
અંકલેશ્વરના 14 પોલીસ કર્મીઓની ટીમ ત્રણ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશ ખૂંદી વળી
ભરૂચ જિલ્લા પોલીસવડા અને અંકલેશ્વર ડીવાયએસપીની સીધી નિગરાનીમાં સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. 14 પોલીસ કર્મીઓની સ્પેશિયલ ટીમ આ પ્રકરણમાં કામે લાગી છે. ટીમે ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને યુપી તથા દીવ, દાદરાનગર સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશમાં 8-8 દિવસ સુધી ધામા નાંખી અલગ અલગ પ્રકારે તપાસ કરી હતી. ગુજરાત રાજ્યના તમામ સેલ્ટર હોમમાં તપાસ કરી. જેમાં તમામ સ્થળોએથી મળેલા બાળકીઓના અજાણ્યા મૃતદેહો, મુંબઈ સહિતના રેડ એલર્ટ એરિયા, ગુજરાત બોર્ડરના કેન્દ્ર સાશિત પ્રદેશો, ઝુંપડપટ્ટી વિસ્તારો, મસ્જિદો, મંદિર સહિતના જાહેર સ્થળોએ પણ તપાસ કરવા છતાં ટીમને કોઈ ક્લુ મળ્યો નથી.
25 વર્ષ પૂર્વે દુષ્કર્મ કેસમાં CBI તપાસ થઈ હતી
નર્મદા જિલ્લો બન્યા પહેલાં તેનો વિસ્તાર ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ હતો. ત્યારે 25 વર્ષ પૂર્વે સાગબારા પોલીસ મથકમાં એક યુવતી ઉપર દુષ્કર્મ આચરાયું હોવાની ચકચારી ઘટના બની હતી. સ્થાનિક કક્ષાએ અનેક વિરોધ પ્રદર્શનો થતાં સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની લોકોએ માંગણી કરી હતી. આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે, અગાઉ અન્ય ગુનાખોરીના મામલે ભરૂચ જિલ્લાનું નામ હંમેશાં જોડાતું હોય છે અને ગુનેગારોને પણ પકડવામાં આવ્યા હતા પરંતુ ભરૂચ જિલ્લામાં જ બનેલી ઘટનામાં સીબીઆઈને તપાસ સોંપાઈ હોય તેવી આ બીજી ઘટના બની છે.
જાણકારી આપનારને ઈનામની જાહેરાત કરી હતી
માસૂમ બાળકીની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમની રચના કરી હતી. સાથે જ લોકોને પણ બાળકીની કોઈ ભાળ મળે તો પોલીસને માહિતગાર કરવા અપીલ કરી હતી. બાળકીની જાણકારી આપનારને યોગ્ય ઇનામ આપવાની પણ જિલ્લા પોલીસવડાએ જાહેરાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.