ભગવાન ભોળા શંભુની આરાધનાના પર્વ શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે. આજે અમે શિવજીની આરાધનાના શ્રેષ્ઠ એક એવા મંદિર ની વાત કરીશું. જ્યાં દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાન મહાદેવનો અભિષેક કરવા આવે છે. ભગવાન શંભુ અને સમુદ્ર દેવતાના આ મિલનને જોઈ આપ પણ ધન્યતા અનુભવશો.
ભગવાન શિવના પુત્ર સાથે કાર્તિકેય સાથેની પૌરાણિક કથા
સર્જન અને વિસર્જન જેના ઈશારે થાય છે એવા ભગવાન શિવજીની આરાધનામાં ભક્તો લિન બની ગયા છે. પવિત્ર શ્રાવણ માસમાં ભોળોનાથ તમામની મનોકામના પૂર્ણ કરી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલા કંબોઇ તીર્થ ખાતે શિવજીની કૃપા મેળવવા ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. અહીં બિરાજમાન સ્તંભેશ્વર મહાદેવ સાથે જોડાયેલ પૌરાણિક કથા અનુસાર તાડકાસુરનો વધ કર્યા બાદ શિવ પુત્ર કાર્તિકેય તેનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા અને તેના માટે તેઓને એક પવિત્ર સ્થળ ની શોધ હતી. કાર્તિકેયની આ શોધ મહીસાગર સંગમ તીર્થ ખાતે આવી પૂર્ણ થઇ.
અહીં કાર્તિકેયે શિવલિંગની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી પોતે કરેલા વધનું પ્રાયશ્ચિત કર્યું. કાર્તિકયના તપથી પ્રભુ ભોળાનાથ પ્રસન્ન થયા અને કાર્તિકેયે માંગેલ વરદાનના આધારે આ સ્થળને અનેકવિધ વરદાનો આપ્યા. અહીં અપાર શ્રદ્ધાથી જે શ્રદ્ધાળુ ભોળાનાથ પાસે જે માંગે છે. તેની મનોકામના અચૂક પૂર્ણ થાય છે. અહીંના દર્શન માત્ર થી મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકર અહીં પોતાના એકેય ભક્ત ને નારાજ કરતા નથી. અને તમામ મનોકામના પૂર્ણ કરે છે.
સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું
આ તીર્થને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું અને છેલ્લી કેટલીક સદીઓથી જ આ શિવલિંગ ભક્તોને દર્શન આપી રહ્યું છે. આ સ્થળે 7 નદીઓનું સંગમ સ્થાન છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાનનો અભિષેક કરવા આવે છે. 24 કલાકમાં બે વખત આ શિવલિંગ તથા મંદિર દરિયામાં સમાઈ જાય છે. દરિયાલાલ જયારે ભગવાનને અભિષેક કરવા સુસવાટ ભેર આગળ ધપે છે ત્યારે વાતાવરણ અલૌકિક બની જાય છે અને શ્રદ્ધાળુઓ શિવધુનમાં લિન બની જાય છે.
ભગવાનના દર્શન માત્ર 5 કે 6 કલાક જ થઇ શકે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ સ્થાન આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે. અહીં રોજેરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને ભગવાન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. માત્ર ગુજરાત જ નહિ અન્ય રાજ્યોમાંથી પણ ભગવાનના દર્શને શ્રદ્ધાળુઓ આવે છે. હાલ કોરોનાનો કહેર ઓછો થતા સમગ્ર રાજ્યમાં તીર્થસ્થાનો પુનઃ ભક્તોની ભીડથી ઉભરાય રહ્યા છે ત્યારે કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મદિરે પણ સરકારની ગાઈડલાઇન્સ અનુસાર ભક્તોનું ઘોડા પુર ઉમટી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.