ભરૂચ નજીક આવેલાં એક ફાર્મહાઉસમાં કેટલાક નેતાઓએ શરાબ અને શબાબની પાર્ટી કરી હોવાનો નનામો પત્ર વહેતો થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નનામા પત્ર બાબતે પાર્ટીના નેતાઓ મગનું નામ મરી પાડી રહયાં ન હોવાથી સમગ્ર મામલો વેગ પકડી રહયો છે. રાજયમાં વિધાનસભાની ચુંટણીના પડઘમ વચ્ચે એક નનામા પત્રથી હડકંપ મચ્યો છે.
આ પત્રમાં એ કેટલાક નેતાઓ સદસ્યતા અભિયાનના નામે કેટલીક મહિલા કાર્યકરોને પોતાની સાથે લઇ ગયાં હતાં. જયાં ભરૂચ પાસેના એક ફાર્મ હાઉસમાં લઇ જઇ શરાબ અને શબાબની પાર્ટી કરી હોવાના આક્ષેપ કરાયાં છે. પાર્ટીમાં સામેલ નેતાઓએ દારૂ તથા સત્તાના નશામાં વાણીવિલાસ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ નનામા પત્રથી રાજકારણમાં ગરમાવો આવી રહયો છે.
બીજી તરફ ફાર્મ હાઉસની આખી ઘટના હની ટ્રેપનો ભાગ હોવાની પણ ચર્ચા શહેરમાં ચાલી રહી છે. સદસ્યતા અભિયાનના નામે યોજવામાં આવેલી પાર્ટી આખરે શરાબ અને શબાબમાં પરિવર્તિત થઇ હતી. ફાર્મ હાઉસમાં ગુપ્ત રીતે યોજાયેલી કથિત પાર્ટીમાં કેટલાક નેતાઓને વાંધો પડતાં આખો મામલો વેગ પકડી રહયો છે. હાલ તો પાર્ટીમાં સામેલ નેતાઓ અને મહિલાઓ કોણ તેનું રહસ્ય યથાવત રહયું છે.
શિસ્તબધ્ધ ગણાતી પાર્ટીમાં આ પ્રકારની પ્રવૃતિ ચાલતી હોવાના નનામા પત્ર બાબતે હજી કોઇ સત્તાવાર કાર્યવાહી થઇ નથી. બીજી તરફ દિવ્યભાસ્કર પણ ફરતાં થયેલાં નનામા પત્રની અધિકારીક પુષ્ટી કરતું નથી. હાલ તો તમામ રાજકીય પાર્ટીઓના આગેવાનોમાં આ હાઇપ્રોફાઇલ પાર્ટીની ચર્ચા ચાલી રહી છે. પાર્ટીમાં સામેલ નેતાઓ અને મહિલાઓના નામો અંગે દરરોજ નવીનવી અટકળો સામે આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.