હાંસોટ પોલીસે સાહોલ ગામ તરફ જવાના માર્ગ ઉપર અલવા ગામ પાસેની કેનાલમાં પલટી ગયેલા ટેમ્પોમાંથી 10 પશુઓને મુક્ત કરાવ્યાં હતા. જ્યારે બે મૃત પશુઓ મળી આવ્યાં હતા. આ પ્રકરણમાં પોલીસે બે ઇસમોને કુલ 4.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા.
12 પૈકી 2 પશુઓ મૃત હાલતમાં મળી આવ્યાં
હાંસોટ તાલુકાના સાહોલ ગામ તરફ જવાના માર્ગ ઉપર અલવા ગામ પાસેની કેનાલમાં કતલના ઈરાદે લઇ જવાતી ભેંસો ભરેલો ટેમ્પો નંબર- (G.J.14.X.7832) પલટી જતા બે ભેંસ સ્થળ પર મૃત હાલતમાં પડી હોવા સાથે ટેમ્પોમાં અન્ય પશુઓ ભરેલા છે, તેવી જાણ થતા જ હાંસોટ પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ કરતા 12 પૈકી બે પશુઓ મૃત હાલતમાં મળી આવ્યાં હતા.
પોલીસે 4.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે અન્ય 10 પશુઓને મુક્ત કરાવ્યાં હતા અને ત્યાં હાજર ભેસ્તનના ટેમ્પો ચાલક સમીર નિજામ શેખ અને સફીક રસિક શેખને ઝડપી પાડ્યાં હતા. પોલીસે બંને ઈસમોની પશુઓ અંગે પૂછપરછ કરતા આ પશુઓ કરજણના વલણ ગામના ઈકરામ ડમ્કીવાળાએ ભરી આપ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને વન્ટેડ જાહેર કરી 1.20 લાખના પશુઓ અને ટેમ્પો મળી કુલ 4.20 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.