ભરૂચ અને નર્મદા જિલ્લાવાસીઓ હોળી પર્વની ઉજવણીની તૈયારીઓ કરી રહયાં હતાં તેવામાં સોમવારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 25 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ અડધો કલાકમાં તબાહી મચાવી દીધી હતી. બંને જિલ્લાઓમાં ધુળની ડમરીઓ ઉડતાં ઝીરો વિઝિબીલીટીનો માહોલ થઇ ગયો હતો. ભારે પવનોના કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને કાચા મકાનો ધરાશાયી થઇ ગયાં હતાં. જંબુસરના પિશાદ મહાદેવ મંદિર પાસે લીમડાનું વૃક્ષ તુટીને બાજુના ઘર પડતાં આંગણામાં બેઠેલી મહિલાનું મોત નીપજયું હતું જયારે એક બાળકી અને મહિલાને ઇજા પહોંચી છે.
જયારે સારવાર દરમિયાન બાળકીનું પણ મોત થયું હતું. મૃતક મહીલાનું નામ લક્ષ્મીબેન વાઘેલા હોવાનું બહાર આવ્યું હતું.તથા મૃતક બાળકીનું નામ દિવ્યા હોવાનું જણાયું છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. દેડિયાપાડા તાલુકામાં 8 મિમિ વરસાદ નોંધાયો છે. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયા, સાગબારા, આમોદ, જંબુસર, નેત્રંગ, વાલિયા, ગરૂડેશ્વર, તિલકવાડા, વાગરા સહિતના તમામ સ્થળોએ વાવાઝોડાની અસર જોવા મળી હતી. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં વાહનોને નુકશાન થયું હતું. અડધો કલાક સુધી ચાલેલા વાવાઝોડાના કારણે સર્વત્ર અંધાધૂંધી જોવા મળી હતી. દેડિયાપાડા સિવાય અન્ય સ્થળોએ કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી.
લો--પ્રેસરના કારણે કમોસમી વરસાદ
ભરૂચ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો પારો 33 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. ગરમીના કારણે દરિયાના પાણીનું બાષ્પીભવન થઇ વાદળો બંધાયા હતાં. લો પ્રેસરના કારણે તાપમાન નીચું જતાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વર્ષમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. - મુકેશ પટેલ, મદદનીશ વૈજ્ઞાનિક, કૃષિ યુનિવર્સીટી
જંબુસરમાં પતરાનો શેડ 25 ફૂટ દૂર ફંગોળાઇ દુકાનને ટકરાયો
ભરૂચ જિલ્લાના જંબુસરમાં વાવાઝોડાની તીવ્રતા વધારે હતી. એસ.ટી ડેપો વિસ્તારમાં દૂધવાળા શોપિંગ સેન્ટર ઉપરભારે પવનના લીધે પતરા નો શેડ 25 ફૂટ સામે બોમ્બે બિરયાનીની દુકાન માં શટર સાથે અથડાયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
નર્મદા પરિક્રમાને અટકાવી દેવામાં આવી
નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે પરિક્રમાવાસીઓ કતપોરથી નાવડીમાં બેસી સામે કિનારે મીઠીતલાઇ આશ્રમ પહોંચતાં હોય છે. વાવાઝોડાના કારણે બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અધવચ્ચેથી બોટોને પાછી કિનારે બોલાવી લેવામાં આવી હતી. વાતાવરણ અનુકૂળ થયા બાદ હોડીઘાટ શરૂ કરાશે તેમ ઘાટ સંચાલકોએ જણાવ્યું હતું.હવામાન વિભાગે વરસાદની આગાહી પણ કરી હોવાથી બોટ સંચાલકો પણ તકેદારીના પગલાં ભરી રહયાં છે.
રાજપીપળાની કરજણ કોલોનીમાં પતરા ઉડતાં લોકોમાં નાસભાગ
નર્મદા જિલ્લામાં પણ વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ વૃક્ષો અને કાચા મકાનો તુટી પડયાં હતાં. કરજણ કોલોની માં ઘરોના પતરા ઉડ્યા હતાં. મફતભાઇ રાણાના મકાનના પતરા ઉડી જતાં તેમને આર્થિક નુકશાન થયું છે. અનેક લોકોને ઘર રીપેર કરાવવા પડે તેવી સ્થિતિ છે.
કઠોળ અને કેરીના પાકને નુકસાન
હોળીના દિવસે જ વાવાઝોડા અને વરસાદનો પ્રકોપ જોવા મળ્યો હતો. 25 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે આંબા પરથી કેરીઓ તથા મોર ખરી જતાં નુકશાનની ભિતિ છે. બીજી તરફ કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલાં કઠોળના પાકને માઠી અસર થઇ શકે છે. ખેતરોમાં પાક તૈયાર થઇ ગયો છે તેવામાં ખેડૂતોને કુદરતનો માર પડયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.