તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉથ આફ્રિકામાં ભારતીયો અસુરક્ષિત:વેન્ડામાં મુંબઇ-ભરૂચના યુવાનો પાસેથી બંધુકની અણીએ લૂંટ, CCTVમાં કેદ, 12 દિવસમાં લૂંટ-હુમલાની 4 ઘટના બની

ભરૂચ10 મહિનો પહેલા
વેન્ડો સિટીના સ્ટોરમાં મુંબઇના યુવાન પાસેથી અશ્વેત લૂંટારીઓએ લૂંટ ચલાવી - Divya Bhaskar
વેન્ડો સિટીના સ્ટોરમાં મુંબઇના યુવાન પાસેથી અશ્વેત લૂંટારીઓએ લૂંટ ચલાવી
  • સાઉથ આફ્રિકામાં ભરૂચના લોકો પર લૂંટ અને હુમલાની 3 ઘટનાથી પરિવારજનોમાં ચિંતા વ્યાપી
  • સ્થાનિક લોકોએ ભરૂચ કલેક્ટરને આફ્રિકામાં વસતા ગુજરાતીઓને સુરક્ષા બાબતે રજૂઆત કરી હતી

સાઉથ આફ્રિકામાં અશ્વેત લૂંટારૂઓ દ્વારા ભારતીયોને બાનમાં લઇને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. સાઉથ આફ્રિકાના વેન્ડા સિટીમાં આવેલા સ્ટોરમાં કામ કરતા મુંબઇના યુવાન પાસેથી અશ્વેત લૂંટારૂઓએ બંધુકની અણીએ લૂંટ ચલાવી હતી અને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. આ ઉપરાંત ભરૂચના શેરપુરા ગામના યુવાન પાસેથી પણ અશ્વેતોએ લૂંટ ચલાવી હતી. જેના CCTV પણ સામે આવ્યા છે. વેન્ડા સિટીમાં છેલ્લા 12 દિવસમાં ભારતીયો પર લૂંટ અને હુમલાની 4 ઘટનાઓ સામે આવી છે. આ તમામ લૂંટની ઘટનાઓમાં લૂંટારૂઓ અશ્વેત જ હતા. જેને પગલે ભરૂચમાં વસતા તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

વેન્ડામાં ભરૂચના યુવકને લૂંટવા બે અશ્વત લૂંટારૂઓએ ફાયરિંગ કર્યું હતું
10 દિવસ પહેલા સાઉથ આફ્રિકાના વેન્ડા સિટીમાં ભરૂચના વ્હોરા સમની ગામના યુવાનને લૂંટવા હવામાં ગોળીબાર કર્યો હતો. સાઉથ આફ્રિકાના વેન્ડા ખાતે સ્થાયી થયેલા અરકામ હાજી યુસુફ પટેલ ઉર્ફે અરકામ કોઠા કાર લઇ ખરીદી કરવા નીકળ્યો હતો. તે વખતે એક કાળા રંગની કારમાં કેટલાક અશ્વત લૂંટારૂઓએ તેનો પીછો કરતા તેણે બચવા કાર ભગાડી હતી. ત્યારબાદ તેણે નજીકમાં લોકોની ભીડવાળા સ્થળે પોતાની કાર ઊભી કરી દીધી હતી. દરમિયાન કાળા કલરની કારમાં 3 અશ્વેત લૂંટારૂઓ ત્યાં પહોંચ્યાં હતા. જે પૈકી બે લૂંટારૂઓએ કારમાંથી ઊતરી હવામાં ફાયરિંગ કરી અરકામની કારમાં પાસે દોડી ગયા હતા. તેમણે અરકામને લૂંટી ત્યાં આસપાસ ઉભેલાં લોકોને હવામાં ફાયરિંગ કરી ગભરાવી કારમાં નાસી છૂટ્યા હતા. આ ઘટના ત્યાં લાગેલા એક CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ઘટનામાં અકરામને તેના હાથની કોણીના ભાગે ઇજાઓ થઇ હતી.

વેન્ડા સિટીમાં ભરૂચના યુવાનને લૂંટવા અશ્વેત લૂંટારૂઓનો હવામાં ગોળીબાર કર્યો હતો
વેન્ડા સિટીમાં ભરૂચના યુવાનને લૂંટવા અશ્વેત લૂંટારૂઓનો હવામાં ગોળીબાર કર્યો હતો

7 સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકાના જનીન ખાતે કાવીના 3 યુવાનો પર નિગ્રોનો હૂમલો અને લૂંટ
સાઉથ આફ્રિકાના જનીન શહેરમાં રોજગારી અર્થે ગયેલાં જંબુસરના કાવી ગામના 3 યુવાનો પર નિગ્રોના ટોળાએ હૂમલો કરીને તેમને માર મારી 1.30 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. કાવી ગામના ત્રણ યુવાનો સિરાજ મહંમદ લીલીવાલા, યુનુસ ઐયુબ આઝાદ તેમજ સુહેલ મહંમદ લીલલીવાલા પણ રોજગારી અર્થે સાઉથ આફ્રિકાના જનીન ખાતે ગયા હતા. દરમિયાનમાં ગત 7મી સપ્ટેમ્બરના રોજ ત્રણેય મિત્રો નિત્યક્રમ મુજબ તેમની નોકરીએ ગયા હતા. તેઓ તેમની કારમાંથી નીચે ઉતરી રહ્યાં હતાં. તે જ સમયે નિગ્રોના ટોળાએ તેમના પર બંદૂક સાથે ધસી આવી હૂમલો કર્યો હતો. ટોળાએ તેમને બંદૂકના નીચેના ભાગેથી મારી ઇજાઓ પહોંચાડી જમીન પર પાડી દીધા હતા. આ ઉપરાંત તેમની પાસેથી અંદાજે 1.30 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ઘટનાના CCTV ફૂટેજ વાઇરલ થવા સાથે પરિવારજનોને ઘટનાની જાણ થતાં પરિવાર ચિંતામાં ગરકાવ થયો છે.

સાઉથ આફ્રિકાના જનીનમાં કાવીના 3 યુવાનો પર નિગ્રોનો હૂમલો કરીને લૂંટ ચલાવી હતી
સાઉથ આફ્રિકાના જનીનમાં કાવીના 3 યુવાનો પર નિગ્રોનો હૂમલો કરીને લૂંટ ચલાવી હતી

ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આફ્રિકામાં ગુજરાતીઓની સલામતીની માંગ કરી
ભરૂચ જિલ્લામાંથી રોજગારી અર્થે મોટી સંખ્યામાં યુવાનો સાઉથ આફ્રિકા ખાતે જતાં હોય છે. તેમાંય કેટલાક લોકો વર્ષોથી ત્યાં સ્થાયી થયા છે. જોકે સાઉથ આફ્રિકામાં છાસવારે અશ્વેતો દ્વારા ગુજરાતી મૂળના લોકો પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેના કારણે પરિવારજનો હાલમાં ચિંતાતૂર બન્યાં છે. ભરૂચ જિલ્લામાં રહેતા પરિવારજનો દક્ષિણ આફ્રિકાની સરકાર તેમના દેશમાં રહેતાં ગુજરાતીઓ અને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમની માંગણીઓ આફ્રિકન એમ્બેસી સુધી પહોંચાડવાની રજૂઆતો કરી હતી. જો આફ્રિકન સરકાર દ્વારા ગુજરાતીઓની સલામતી અને સુરક્ષા માટે પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં મુંબઇ ખાતે આવેલી આફ્રિકન એમ્બેસીની બહાર ધરણા કરવાની ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...