સરકારની પીએમ કિસાન યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં 1.86 લાખથી વધુ ખેડૂતો નોંધાયાં છે. જેમાં ખેડૂતોની e-KYC કામગીરી પણ 68 ટકા પુર્ણ કરી દેવાઇ છે. ત્યારે સરકારના ઇન્કમ ટેક્ષ વિભાગના ધ્યાને આવેલાં ખેડૂતો કે જેઓ ટેક્ષભરે છે છતાં તેમના ખાતામાં સહાયના રૂપિયાના હપ્તા પડ્યાં છે તેવા ખેડૂતોના ખાતામાંથી અત્યાર સુધીમાં રૂ. 5.47 કરોડ રિફન્ડ લેવામાં આવ્યાં છે.
સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂત ખાતેદાર પરિવારોને વર્ષમાં 2-2 હજારના 3 હપ્તા મળી કુલ 6 હજાર રૂપિયાની સન્માન સહાય ચુકવવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં કુલ 1.86 લાખથી વધુ ખેડૂતો આવેલાં છે. જેમની e - KYC ની કામગીરી એકતરફ ચાલી રહી છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 68 ટકા ખેડૂતોનું e - KYC કરી દેવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા ચુકવાયેલી સન્માન નિધીનો લાભ કેટલાંક ટેક્ષભરતાં ખેેડૂતો દ્વારા પણ લેવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવતાં ઇન્કમ ટેક્ષ વિભાગે પણ તેની ચકાસણી કરતાં જિલ્લામાં કુલ 6 હજારથી વધુ ખેડૂતોએ યોજનાનો લાભ લીધો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે ઇન્કમ ટેક્ષ વિભાગે 5,629 ખેડૂતો પાસેથી 5.09 કરોડ રિકવર કર્યાં છે. જ્યારે જિલ્લાના 383 ખેડૂતો કે જેઓ સરકારી નોકરી કે અન્ય કોઇ સારા સ્થળે નોકરી કરતાં હોઇ તેઓએ સ્વૈચ્છિક રીતે પોતાના ખાતામાં પડેલાં સન્માન નિધીના કુલ 37.92 લાખ રૂપિયા રિફન્ડ કર્યાં હતાં.
વર્ષે 111 કરોડ રૂપિયા ચૂકવાય છે
ભરૂચ જિલ્લામાં 1.86 લાખથી વધુ ખેડૂતો આવેલાં છે. કિસાન સન્માન નિધી અંતર્ગત જિલ્લાના 1.86 લાખ ખેડૂતોને અંદાજે 111 કરોડ રૂપિયા ચુકવવામાં આવે છે. ખેડૂતોને તબક્કાવાર ત્રણ હપ્તામાં સીધેસીધા ખાતામાં રૂપિયા ચૂકવી દેવાય છે.
ઝીરો રિટર્ન ભરનાર ખેડૂતોને કોઇ ચિંતા નહીં
પીએમ કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત જે ખેડૂતો ઇન્કમ ટેક્ષ ભરતાં હોય તેઓ આ યોજનાનો લાભ લઇ શકતાં નથી. જોકે, કેટલાંય ખેડૂતોને કે જેઓ 0 રિટર્ન ઇન્કમ ટેક્ષ ફાઇલ કરાવતાં હોય તેવા ખેડૂતોને પણ લાભ ન મળે તેવી અફવાઓ છે. 0 રિટર્ન ભરનાર ખેડૂતોને યોજનાનો લાભ મળવાપાત્ર છે.
જંબુસર તાલુકામાં સૌથી વધુ ખેડૂતોની સહાય પરત લેવાઇ
તાલુકો | ઇન્કમ ટેક્ષ ભરનાર ખેડૂતોની સંખ્યાં | ચુકકવાયેલાં હપ્તા | રિફન્ડ થયેલી રકમ | સ્વૈચ્છિક પરત કરનાર ખેડૂતોની સંખ્યા | રિફન્ડ કરેલી રકમ |
આમોદ | 826 | 3,963 | 75,26,000 | 75 | 7,70,000 |
અંક્લેશ્વર | 714 | 3,251 | 65,02,000 | 45 | 4,62,000 |
ભરૂચ | 898 | 4,318 | 86,36,000 | 51 | 5,42,000 |
હાંસોટ | 476 | 2,255 | 45,10,000 | 34 | 3,38,000 |
જંબુસર | 1,073 | 4,351 | 87,02,000 | 90 | 8,30,000 |
નેત્રંગ | 84 | 353 | 7,06,000 | 5 | 46,000 |
વાગરા | 553 | 2,457 | 49,14,000 | 33 | 3,22,000 |
વાલિયા | 355 | 1,577 | 31,54,000 | 24 | 2,34,000 |
કુુલ | 5,629 | 25,462 | 5,09,24,000 | 383 | 37,92, 000 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.