મેઘરાજાની મોસમ:ગરમીને ગુડબાય વરસાદને વેલકમ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની મોસમ જામી

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાગબારામાં વીજળી પડતાં મહિલાનું મોત
  • ભરૂચ તાલુકાના ટંકારિયા, પાલેજ સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યોઃ મોસમના પહેલા વરસાદે જ વીજળી ડૂલ થતા હાલાકી

ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વરમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. જ્યારે ઝઘડિયા, નેત્રંગ અને વાલિયામાં પણ ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. ઉપરાંત ભરૂચ તાલુકાના પણ ટંકારિયા, પાલેજ સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

ભરૂચ જિલ્લામાં સામાન્યત: જૂન મહિનાના અંતિમ દશેક દિવસમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે. જોકે, આ વર્ષે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ મધ્યગુજરાતના કેેટલાંક વિસ્તારોમાં થંન્ડર સ્ટ્રોમ એક્ટિવ થવાને કારણે હવામાન વિભાગે પાંચ દિવસ સુધી પંથકમાં ભાર પવન ફૂંકાવા સાથે ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં એક સપ્તાહ પહેલાં જ મેઘરાજાએ દસ્તક આપી દીધી છે. જિલ્લામાં ટંકારિયા, પાલેજ, ઇખર સહિતના અનેક ગામડાઓમાં છુટા છવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

બીજી તરફ નેેત્રંગમાં રાત્રીના સમયે 2 મિમી તેમજ સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઝઘડિયામાં 1 અને વાલિયામાં 8 મીમી વરસાદ ખાબક્યો હતો. અંક્લેશ્વરમાં સરકારી ચોપડે વરસાદ નોંધાયો ન હતો. જોકે, પંથકમાં મળસ્કે અને સવારના સમયગાળા દરમિયાન જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. આકાશમાં અચાનક વાદળોની ફોજ ઉતરી આવવા સાથે છુટાછવાયા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

આખરે જગતના તાત પર કુદરત મહેરબાન થયા હોય એમ અંકલેશ્વરમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. વહેલી સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. વર્ષનો પહેલો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર ફેલાઈ હતી. પંથકમાં એક અઠવાડિયા પહેલા મેઘરાજાનું આગમન થતા ખેડૂતો આનંદ - ઉલ્લાસથી જુમી ઉઠ્યા હતા. ભીની માટીની સુગંધથી વાતાવરણ મનમોહક થઇ ગયું હતું.

સાગબારા, સેલંબા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિઝળી સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેમાં સિમઆમલી ગામે ખેતરમાં કામ કરતી 29 વર્ષીય મહિલા ગીતાબેન કિરણસિંગ વસાવા ઉપર વિજળી પડતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું.ઘટના બાદ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સાગબારા સીએચસી ખાતે લાવવામાં આવી હતી.

સામાન્ય વરસાદમાં જ વીજળી ડૂલ થવાની સમસ્યાઓ સર્જાઇ
ભરૂચ અને અંક્લેશ્વર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. મળસ્કે વરસાદી ઝાપટું પડતાની સાથે જ વીજળી વેરણ બનવાની સમસ્યા શરૂ થઇ ગઇ હતી. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં રાત્રે બે વાર વીજ પુરવઠો ખોરવાયો હતો.

અંકલેેશ્વરમાં વરસાદ પણ સરકારી ચોપડે ન નોંધાયો
સરકારી તંત્ર દ્વારા સામાન્યત: દરેક મામલતદાર કચેરી પર વરસાદ માપક યંત્ર મુકવામાં આવતું હોય છે. જ્યારે જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીએ યંત્ર ગોઠવાય છે. ત્યારે યત્ર મુક્યાના વિસ્તાર સિવાય અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસે તો પણ સરકારી ચોપડે જે તે તાલુકામાં વરસાદની નોંધ થતી નથી. રવિવાર અંક્લેશ્વરમાં જોરદાર વરસાદ થયો હતો. પરંતુ સરકારી ચોપડે અંક્લેશ્વરમાં વરસાદનો આંક 0 નોંધાયો હતો.

વરસાદે કેટલાંય ગામોમાં પ્રસંગો પણ બગાડ્યાં
પાલેેજ અને તેના આસપાસમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે આકાશમાંથી અમૃતધરા વરસવાની શરૂઆત થઇ જતા લોકોમાં પહેલાં વરસાદનો ઉમંગ છવાયો હતો. ત્યારે પાલેજ પાસેના એક ગામમાં લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ વેળાં અચાનક વરસાદી માહોલ જામતાં નાસભાગ થઇ હતી. વરસાદે કેટલાંક ગામોમાં લગ્ન સહિતના પ્રસંગો બગાડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...