એલર્ટ:ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 16.75 ફૂટ જિલ્લાના 39 ગામના 1387 લોકોનું સ્થળાંતર

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોલ્ડન બ્રિજની સાઇડના બે પીલર વચ્ચેથી નર્મદા નદીના પાણીના ધસમસતા વહેણની તસવીર. - Divya Bhaskar
ગોલ્ડન બ્રિજની સાઇડના બે પીલર વચ્ચેથી નર્મદા નદીના પાણીના ધસમસતા વહેણની તસવીર.
  • ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમના 23 ગેટમાંથી 8.14 લાખ ક્યુસેક પાણી છોડાયું
  • ડેમમાંથી રાત્રે 10 લાખ ક્યુસેક સુધી પાણી નર્મદા નદીમાં છોડવાની શક્યતા
  • એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ
  • નર્મદા કાંઠાના ગામ લોકોને હોડીથી સુરક્ષિત સ્થળે મોકલ્યા

મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક થતાં શનિવારે સાંજ ડેમમાંથી 5 વાગ્યા પહેલા 4 લાખ ક્યુસેક અને પછી 5 લાખ ક્યુસેક પાણી છોડાયુ હતુ. પાણીની આવક થતાં ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની જળ સપાટી સાંજે 4 વાગ્યે મહત્તમ 16.75 ફુટ નોંધાઇ હતી. જોકે બાદમાં 6 વાગ્યાના અરસામાં જળ સપાટીમાં ઘટડો થઇને 16 ફૂટે પહોચી હતી. સાંજે 5 વાગ્યા પછી 8.14 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું.

ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી. મોડિયાએ તાકીદની બેઠક બોલાવી ભરૂચના નર્મદા કિનારાના ભરૂચના ૧૨, અંકલેશ્વરના 14 અને ઝઘડિયાના 13 ગામોના 1387 લોકોનું તાકીદે સ્થળાંતર કરાવ્યું હતું. લેક્ટરે અધિકારીઓને ગોલ્ડન બ્રિજની સપાટી પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. એનડીઆરએફની એક ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. બીજી તરફ તવરા ગામના લોકોને એલર્ટ જાહેર કરતા સ્થાનિકો જ હોડીમાં લોકોને સ્થળાંતરિક કરી રહ્યા હતા. ભરૂચ તાલુકા મામલતદાર પી.ડી પટેલે જણાવ્યુ હતુ કે, પશુપાલન અને માછીમારી માટે નદીની બીજે પાર વરસાદ તવરા, મંગલેશ્લર, નિકોરા, શુક્લતીર્થ સહિતના ગામ લોકોને ગામમાં પરત લવાયા છે. વહીવટી તંત્રએ નદી કિનારાના ગામોને એલર્ટ કર્યા છે.

જિલ્લાના કોઇપણ ગામમાં પાણી ભરાયા હોય તો મદદ માટે કંટ્રોલરૂમનો નંબર 02642-242300 જાહેર કરાયો
ભરૂચ જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી મોડિયાએ જણાવ્યુ કે, સવારે 4 લાખ ક્યુસેક પાણી છોડાયા બાદ સાંજે પાચ વાગ્યા પછી 5 લાક ક્યુસેક પાણી છોડાય શકે છે. જળ સપાટી વધવાથી ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચના ગામોને એલર્ટ કરાયા છે. એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં મુકી છે. ગામોમાં પાણી ભરાયા હોય તો મદદ માટે 02642-242300 કંટ્રોલરૂમ નંબર જાહેર કરાયો છે.

ભરૂચમાં સતત બીજા વર્ષે પણ નર્મદા નદી ગોલ્ડન બ્રિજે 24 ફૂટની ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના
અંકલેશ્વર. નર્મદા નદીમાં ડેમમાંથી પાણીની આવક થતા ગોલ્ડન બ્રિજ ખાતે સાંજે 6 કલાકે સપાટી 16.50 ફૂટ પહોંચી છે. 5 લાખ ક્યુસેક પાણી છોડવાનું હોવાથી રવિવારે નદીની સપાટી 30 ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે. તબક્કાવાર વધી આઠ લાખ ક્યુસેક સુધી થઇ શકે છે. ભરૂચમાં સતત બીજા વર્ષે પણ નર્મદા નદી ભયજનક સપાટી વટાવે તેવી સંભાવના છે. નદીની ભયજનક સપાટી 24 ફુટની છે.

પાણીથી કપાસના પાકને મોટુ નુક્સાન થઇ શકે
ગ્રામપંચાયતના સભ્ય ભરત વસાવાએ જણાવ્યુ કે, કાંઠાના ખેતરો તરફ નદીના પાણી આવવાની શરૂઆત થઇ છે. જળસપાટીમાં વધારો થશે તો કપાસના પાકને નુકસાન થઇ શકે છે. આ સિઝનમાં પ્રથમ વખત પાણી છોડાયા છે કાયમ વધુ પાણી છોડાશે તો પાણી ભરાઇ જશે.

ગામ 40 ફૂટ ઊંચે પણ લોકોને એલર્ટ કરાયાં
મંગલેશ્વર ગામના આગેવાન કલ્પેશ પટેલે જણાવ્યુ કે, મંગલેશ્લર ગામ નદીથી 40 ફૂટ જેટલી ઉંચાઇ પર આવેલુ છે તેથી અહીં નર્મદાની નીરથી જનજીવન પર ઓછી અસર થશે. જોકે સુરક્ષાના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા ગામ લોકોને એલર્ટ કરી દેવાયા છે.

ગામના 250 થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા
નર્મદાની જળ સપાટી વધતા ભરૂચ તાલુકાના તવરા અને નિકોરા ગામના લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ હતી. નદીની બીજી તરફ રહેતા 80 જેટલા નિકોરા ગામના વતનીઓને જળ સપાટી ઓછી ન થાય ત્યાં સુધી તેમને ગામમાં જ રાખ્યા છે. નવા તવરા ગામના 250 જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા હતા.

28-29 ફૂટ પાણી આવશે પછી અસર થશે
ગામના સરપંચ નિલેશ વસાવાએ જણાવ્યુ કે, શુક્લતીર્થ ગામ સુધી હાલની દ્રષ્ટિએ પાણી ભરાવાની શક્યતા ઘણી ઓછી છે પરુંત નદીકાંઠાના ખેતરોમાં નુકશાન થઇ શકે છે. નદીની બીજા કાંઠે ઢોર-ઢાંકર અને લોકોને સુવિધા આપવી પડશે. 28-29 ફૂટ પાણી આવે ત્યાર પછી જ જનજીવન પર નર્મદાની પાણીની અસર થશે.

300 થી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી
સરપંચ જગદીશ પટેલે જણાવ્યુ હતુ કે, નિકોરા ગામનું અન્ય ફળિયામાં વરસતા લોકો કાયમી પશુપાલન કરે છે તેથી તેઓ ઢોર-ઢાંકર સાથે જ રહે છે. અહીં માછીમારી અને પશુપાલન સાથે સંકળાયેલા 300થી વધુ લોકો રહે છે. હાલ તેમને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. તેમને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...