આજે મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા જનકલ્યાણલક્ષી પગલાંની કલેક્ટર તુષાર સુમેરા દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત માટે ગૌરવ ગણી શકાય એવી ઘટના ભરૂચમાં આકાર લેવા જઇ રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ તેની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત ચાર મુખ્ય યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી કામગીરી કરવામાં આવી નથી. આ ચાર યોજનામાં કુલ 13 હજાર કરતા પણ વધુ લાભાર્થીઓને આગામી તા. 12 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે. ઉત્કર્ષ પહેલ અભિયાન અંગે સમુહ માધ્યમો સાથે વાતચિત કરતા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા બહેનોને નાણાંકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાનો લાભ પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આપવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના સહયોગથી ઉત્કર્ષ પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં સર્વ પ્રથમ સોશિયલ મીડિયા ઉપર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. જેના માધ્યમથી પાત્રતા ધરાવતા નાગરિકોને ઓળખી કાઢવામાં આવ્યા હતા. બાદમાં સ્થળ ઉપર જ કેમ્પ રાખી યોજનામાં જરૂરી તમામ આધાર પૂરાવાઓ કાઢી આપવામાં આવ્યા હતા અને ફોર્મ ભરવાની વિધિ કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના અથાક પ્રયત્નોને પરિણામ સ્વરૂપ માત્ર ત્રણ માસમાં 13 હજાર કરતા વધુ લાભાર્થીઓને તેમાં આવરી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, હેલ્પલાઇન ઉપરાંત ગ્રામપંચાયતના પદાધિકારીઓ અને સરકારી કર્મયોગી થકી ગામોમાં ફરી સર્વે હાથ ધરવામાં આવ્યા હતા અને બાકી રહી ગયેલા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી. એના બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા લાભાર્થીઓને શોધી આપી, તેના લાભો મંજૂર કરાવવાની કાર્યવાહીમાં મદદ કરે તે મદદગાર વ્યક્તિને રૂ. 250નું ઇનામ આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી. આવા મદદગારોને રૂ. 8 લાખના ઇનામો આપવામાં આવ્યા હતા. એના બાદ એક સપ્તાહ માટે ઇનામની રાશી બમણી કરી રૂ. 500 જાહેર કરવામાં આવી પણ, એક પણ લાભાર્થી મળ્યા નહી. મતલબ કે સો ટકા લાભાર્થીઓને આવરી લેવામાં સફળતા મળી છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આવી રીતે સો ટકા લાભાર્થીઓને કવર કરવામાં આવ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વખતે આહ્વાન કર્યું હતું કે સરકારની યોજનાનો લાભ સો ટકા લાભાર્થીઓને આપવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવે. તેના પ્રતિસાદરૂપે આ ઉત્કર્ષ પહેલ શરૂ કરવામાં આવી હતી. આ પહેલની સાથે આ તમામ લાભાર્થીઓને એનએફએસએના રાશન કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. કલેક્ટર સુમેરાએ ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં એમઆરએફ ટાયરના સીએસઆર સહયોગથી જિલ્લામાં પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કાર્ડ કાઢી આપનાર ઓપરેટરને રૂ. 30નું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આરોગ્ય ઉત્કર્ષ પહેલમાં સો ટકા કામગીરી કરવાનો લક્ષ્યાંક છે. જિલ્લા સેવા સદન ખાતે દાખલ કરવામાં આવનાર વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ બાબતે કલેક્ટરે કહ્યું કે, હવે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાના પશ્નો લઇ રજૂઆત કરવા આવતા મુલાકાતીઓ માટે ઉક્ત વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. જેમાં મુલાકાતી અને તેની રજૂઆતને ઓનલાઇન નોંધવામાં આવશે. બાદમાં 20 જેટલા નાયબ મામલતદારો દ્વારા તેનું ફોલોઅપ લેવામાં આવશે. આવા પ્રશ્નોને વિવિધ શ્રેણીમાં વિભાજીત કરી સરળતાથી ઉકેલી શકાય તેવા, સ્થાનિક, રાજ્યકક્ષાએ અને ઉકેલી ના શકાય એવી શ્રેણીમાં વિભાજીત કરી તેની સ્થિતિની અરજદારને જાણ કરવામાં આવશે. દર માસના ત્રીજા શનિવારે મળતી સંકલન સમિતિની બેઠકમાં પણ ટેક્નોલોજીનો વિનિયોગ કરી ઇ-સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જનપ્રતિનિધિઓ પોતાની રજૂઆત ઓનલાઇન કરશે અને તેનું નિરાકરણ કરી જવાબ પણ ઓનલાઇન કરવામાં આવશે. આવી પહેલ કરનારો ભરૂચ જિલ્લો દેશમાં પ્રથમ છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન ભરૂચ જિલ્લા સાથે વર્ચ્યુઅલી જોડવાના છે, તે એમના માટે ગૌરવની વાત છે. જરૂરિયાતમંદોને સહાય કરવાથી સમગ્ર વહીવટી તંત્રને કાર્યસંતોષ મળ્યો છે. આ પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના અગ્રણી પ્રવીણભાઇ તેરૈયા, નિવાસી અધિક કલેક્ટર જે. ડી. પટેલ ઉપરાંત મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.