ક્રાઈમ:ગાઝિયાબાદનો ગુનેગાર પિસ્તોલ,2 તમંચા સાથે ઝડપાયો : મોજામાંથી 24 જીવતા કારતૂસ મળ્યાં

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાંચબત્તીની અંબિકા જવેલર્સમાં ફાયરિંગ વિથ લૂંટ કેસ બાદ પોલીસ એક્શનમાં
  • ભરૂચના ચકચારી સુનિલ તાપિયાવાલા હત્યા કેસમાં નિર્દોષ છૂટેલી પત્ની હિરવા સાથે રહેતા રાહુલ ખંડેલવાલની ધરપકડ
  • વર્ના કાર હિરવા તાપિયાવાલાની હતી,સીટ પાછળ મૂકેલી ટ્રાવેલ બેગમાંથી 2 તમંચા નીકળ્યાં

ભરૂચના ચકચારી સુનિલ તાપિયાવાલા હત્યાકેસ નિર્દોષ છૂટેલી પત્ની હિરવા સાથે રહેતા ગાજિયાબાદના નામચીન ગુનેગારને એલસીબીની ટીમે મંગળવારે રાત્રે સેવાશ્રમ રોડ પરથી પિસ્તોલ, 2 દેશી તમંચા અને 29 કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. જે પૈકી 24 કારતૂસ તો કારના ડેસ બોર્ડમાં મોજામાં સંતાડીને રાખેલા હતાં. પોલીસે કાર, 3 હથિયાર, કારતૂસ અને કાર સહિત રૂા. 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઘનિષ્ઠ પૂછતાછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર હિરવા તાપિયાવાલાની હોવાનું ડીએસપી રાજેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે.

શહેરના પાંચબત્તી સર્કલ પાસેની અંબિકા જવેલર્સમાં હથિયારધારી લૂંટારુઓએ ફાયરિંગ કરી રૂા. 27 લાખની લૂંટ ચલાવતા પોલીસે ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું છે. દરમિયાન ઝાડેશ્વર શ્રીજી સદન સોસાયટીમાં રહેતી હિરવા તાપીયાવાલાના ઘરમાં રહેતો રાહુલસિંહ ખંડેલવાલ સફેદ કલરની વર્ના કારમાં હથિયાર અને કારતૂસ સાથે શ્રવણ ચોકડી તરફ જવાનો છે તેવી એલસીબીને માહિતી મળતાં 2 વાહનો રૂટ પર પેટ્રોલિંગમાં ગોઠવાઇ ગયા હતાં.મંગળવારે રાત્રે 10:30 કલાકે સેવાશ્રમ રોડ રિલાયન્સ મોલની નજીક રાહુલ કાર બહાર ઉભો હતો. પોલીસે તેને કોર્ડન કરી પૂછતાછ કરતાં મૂળ ઉત્તરપ્રદેશ ગૌતમબુદ્ધનગરના મિલ્લત થાના વિસ્તારનો અને હાલ ઝાડેશ્વર નર નારાયણ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. તેની અંગજડતી કરતાં કમરના ભાગે સંતાડેલી પિસ્તોલ મળી હતી.

તેના મેગઝીનમાં 5 કારતૂસ લોડ હતી. ડેસ બોર્ડમાં મુકેલા પગના મોજામાંથી અન્ય 24 કારતૂસ મળ્યા હતાં. આ ઉપરાંત સીટ નીચે ટ્રાવેલીંગ બેગમાંથી 2 દેશી તમંચા પણ મળ્યા હતાં. પોલીસે રાહુલસિંહ વિરૂદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધી રૂા.42900ની કિંમતની પિસ્તોલ, 2 દેશી તમંચા, 29 કારતૂસ અને કાર સહિત 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછતાછ હાથ ધરી છે. હથિયાર ક્યાંથી લાવ્યો છે ? કોઇ ગુનાને અંજામ આપવાનો હતો કે કેમ તેમજ અન્ય કોઇ શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલુ હોવાનું ડીએસપી ચૂડાસમાએ જણાવ્યું હતું.

હિરવાની પુત્રી-પુત્ર સહિત સ્વજનોને ધમકી મુદ્દે પણ રાહુલસિંહ સામે ફરિયાદ થઇ હતી
સુનિલ તાપિયાવાલા ચકચારી હત્યા કેસમાં નિર્દોષ છુટેલી તેની પત્ની હિરવા રાહૂલ નાનક ખંડેલવાલ સાથે રહે છે. જ્યારે તેની પુત્રી અને પુત્ર હિરવાના સંબંધી સાથે રહેતા હતાં. પુત્રી સ્વજન સાથે વી. ડી. ટાઉનશીપ નજીક શ્રવણ ચોકડી પાસે રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે હિરવા અને રાહુલે ત્યાં પહોંચી પુત્રીને પોતાની સાથે આવવા જણાવ્યું હતું. જોકે તેણીએ સાથે જવાનો ઇન્કાર કરતાં હિરવાએ આવેશમાં આવી પુત્રી,પુત્ર તેમજ અન્ય સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઇ હતી.

હિરવા-રાહુલને જેલમાં પ્રેમસંબંધ બંધાયો હતો
રાહુલસિંહ વર્ષ 2013માં આપઘાતના દુષ્પ્રેરણાના ગુનામાં ભરૂચ સબજેલમાં જેલવાસ ભોગવતો હતો. આ સમયે સુનિલ તાપિયાવાલાની હત્યા કેસમાં પત્ની હિરવા તાપીયાવાલા પણ જેલમાં હોવાથી તેનો રાહુલ સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. હિરવાનો નિર્દોષ છૂટકારો થયો હતો જ્યારે રાહુલ જેલમાંથી છૂટ્યા બાદ વર્ષ 2017 થી હિરવા સાથે રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...