હિન્દુ સમાજના પવિત્ર તહેવાર નવરાત્રીના પાસ ઉપર 18 ટકા જીએસટી તથા વધતી જતી મોંઘવારી સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલ્વે સ્ટેશન ખાતે દેખાવો કર્યા હતાં. કોંગી કાર્યકરો તેલના ખાલી ડબ્બાઓ તથા શાકભાજી સાથે આવ્યાં હતાં જયારે મહિલા કાર્યકરો ગરબે ઘુમી હતી.
કોરોનાની મહામારી બાદ નવરાત્રીના પર્વની રંગેચંગે ઉજવણી થવા જઇ રહી છે. ગરબા રમવા માટેના પાસ ઉપર સરકારે 18 ટકા જીએસટી લાગુ કરતાં રાજયભરમાં વિરોધ થઇ રહયો છે. ખાસ કરીને વિપક્ષી પાર્ટીઓ સરકાર પર નિશાન સાધવાનો એક પણ મોકો ચુકવા માગતી નથી. અબાલ વૃધ્ધ સૌ કોઇના પ્રિય નવરાત્રીનો તહેવાર પર સરકારી ટેકસની ચુંગાલમાં ફસાતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભરૂચના રેલ્વે સ્ટેશન નજીક ડો.બાબા સાહેબ આંબડકરની પ્રતિમા પાસે કાર્યકરોએ તેલના ખાલી ડબ્બા, શાકભાજી સહિતની ચીજવસ્તુઓ સાથે લાવ્યાં હતાં. આ ઉપરાંત મહિલા કાર્યકરોએ ગરબે રમી પાસ ઉપર 18 ટકા જીએસટીનો વિરોધ કર્યો હતો.વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં ભરૂચ શહેર પ્રમુખ વીકી શોખી, વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાળા, યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, શેરખાન પઠાણ, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપની સરકારનો તહેવારો ઉપર ડોળો
નવરાત્રિ હીંદુ સમાજનો મોટામાં મોટો તહેવાર છે. જગત જનની મા જગદંબાની અરાધનાના પર્વના પાસ ઉપર પણ 18 ટકા ટેકસ લેવાનું કામ ભાજપની હીંદુ વિરોધી સરકાર કરી રહી છે. જીએસટીના કારણે વધતી મોંધવારીએ લોકોને આર્થિક રીતે બેહાલ કરી નાંખ્યા છે. હવે આવી સરકારને ઘરભેગી કરવાનો વારો આવી ગયો છે. - પરિમલસિંહ રણા, જિલ્લા પ્રમુખ, કોંગ્રેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.