પાણીના વલખાં:અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ભ્રષ્ટાચારના ગાબડાં

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડભાલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઠેર ઠેર તુટેલી હાલતમાં જોવા મળી રહી છે. - Divya Bhaskar
ડભાલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઠેર ઠેર તુટેલી હાલતમાં જોવા મળી રહી છે.
  • ભરૂચના 2 લાખ લોકોને શિયાળામાં પાણીના વલખાં

ભરૂચ શહેરવાસીઓ ભરશિયાળામાં પાણીકાપનો સામનો કરી રહયાં છે. એક સમયે શહેરમાં સવારે 2 કલાક અને સાંજે 2 કલાક મળી 4 કલાક પાણી આપવામાં આવતું હતું પણ હવે દિવસમાં માંડ દોઢ કલાક પાણી મળી રહયું છે. તેનું કારણ છે અમલેશ્વર બ્રાંચ કેનાલમાં પડેલું ગાબડુ જવાબદાર છે. નર્મદા ડેમના પાણીને વિવિધ કેનાલો મારફતે ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે.

દર વર્ષે કેનાલોના રીપેરીંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ રીપેરીંગમાં લાલીયાવાડી ચાલતી હોવાથી આ ખર્ચ માથે પડતો હોય છે. ભરૂચ તાલુકાના અનેક ગામડાઓ અને ભરૂચ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતી અમલેશ્વર બ્રાંચ કેનાલમાં મોટુ ગાબડું પડયું છે. અમલેશ્વર બ્રાંચ કેનાલમાં પડેલા ગાબડાના કારણે ડભાલી, કવિઠા, બંબુસર સહિતના અનેક ગામોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતી નષ્ટ થઇ ચુકી છે. ખેડૂતોમાં નહેર વિભાગની બેદરકારીના કારણે ભારોભાર રોષ જોવા મળી રહયો છે. બીજી તરફ ભરૂચ શહેરવાસીઓને પાણીકાપ સહન કરવાનો વારો આવ્યો છે.

15મી તારીખ સુધી ભરૂચ શહેરની 2 લાખની વસતીને એક જ ટાઇમ પાણી આપવામાં આવશે. અમલેશ્વર કેનાલ ઠેર ઠેર તુટેલી હાલતમાં જોવા મળી રહી છે. રીપેરીંગ માટે ખર્ચાયેલા રૂપિયા કયાં ગયાં તેવો સવાલ ખેડૂતો પૂછી રહયાં છે. કેનાલ વિભાગમાં ચાલતી લાલીયાવાડીના વિરોધમાં ખેડૂતોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

ડભાલી તથા આસપાસ આવેલાં ગામડાઓના ખેડૂતોના જણાવ્યાં મુજબ દર વર્ષે કેનાલમાં ગાબડાઓ પડતાં હોય છે. આખી સીઝન મહેનત કરીને વાવેલો પાક કેનાલ વિભાગની બેદરકારીના કારણે નષ્ટ પામી રહયો છે. ચાલુ વર્ષે કેનાલમાં પડેલાં ગાબડાના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપીને કેનાલમાં પડેલા ગાબડાના કારણે ખેતરોમાં થયેલાં નુકશાનનું વળતર ચુકવવામાં આવે તેવી માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...