ભરૂચમાં ચાર્જ સંભાળ્યાં બાદ એસપી ડો. લીના પાટીલ દ્વારા ગુનાઇત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટેની સૂચના કરાઇ છે. જેના પગલે જિલ્લામાં દારૂના ઉપરાછાપરી કેસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે નશીલા પદાર્થોના સેવનને રોકવા પણ એસપીએ તાકીદ કરી છે. ત્યારે ભરૂચ તાલુકા પોલીસ મથકના પીઆઇ એન. વી. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે, દેરોલ ગામે નવીનગરી ખાતે આવેલી શાલીમાર સોસાયટીમાં રહેતો ઇલ્યાસ અલી મલેક ડ્રગ્સનો વેપલો કરે છે. જેના પગલે તેમણે ટીમ સાથે દેરોલ ગામે દરોડો પાડ્યો હતો.
જેમાં ઇલ્યાસના ઘરેથી ટીમે કુલ 1.40 લાખની મત્તાનો કુલ 14.08 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે તેના ઘરમાં ડ્રગ્સ તેમજ ડ્રગ્સનું વજન કરવાનો ડિઝીટલ વજન કાંટો, 2X2 અને 2X3 ઇંચની ડ્રગ્સ પેક કરવા માટેથી નાની થેલીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેણે ડ્રગ્સ ક્યાંથી મેળવ્યો હોવાની પુછપરછ હાથ ધરવામાં આવતાં તેણે ઇમરાન ઉર્ફે મસ્તાન નામના પેડલર પાસેથી માલ લીધો હોવાની કબુલાત કરી હતી. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.