નલ સે જલ યોજનાનું અમલીકરણ:ઝાડેશ્વરના 19 હજાર જેટલાં ઘરોમાં હવે પીવાનું મીઠુ પાણી ઉપલબ્ધ થશે

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં હાલ જીએનએફસીમાંથી આવતું પાણી અપાઇ રહ્યુ છે

ભરૂચ શહેરનો જ એક ભાગ બની ચુકેલાં ઝાડેશ્વર ગામના 30 હજારથી વધારે લોકોએ એક સપ્તાહમાં નર્મદા નદીનું પાણી પીવા માટે મળતું થઇ જશે. સરકારની નલ સે જલ યોજના હેઠળ મુખ્ય સંપમાંથી આંતરિક સંપમાં પાણી પહોંચાડવાની કામગીરીનો ધારાસભ્યની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.ઝાડેશ્વર ગામની આસપાસ સેંકડો સોસાયટીઓ આવેલી છે જેમાં હજારો લોકો વસવાટ કરી રહયાં છે. આ સોસાયટીઓમાં પાણીની જરૂરીયાત બોરવેલથી પુરી કરવામાં આવે છે પણ ઝાડેશ્વર ગામ પીવાના પાણી માટે જીએનએફસી કંપની પર નિર્ભર છે.

કંપની તરફથી ઝાડેશ્વર ગામને અંદાજે 2 થી 3 લાખ લીટર પાણી આપવામાં આવે છે. ભરૂચ શહેરમાં આવેલાં ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં નર્મદા નદીનું પીવાનું મીઠુ પાણી મળી રહે તે માટે સરકારે નલ સે જલ યોજના હેઠળ અંદાજે 65 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ યોજના હેઠળ નાંદના પંપિંગ સ્ટેશનથી પાણી ઝાડેશ્વર અને ભોલાવ ગામ સુધી લાવવામાં આવશે. ઝાડેશ્વર ગામમાં નિર્માણ કરવામાં આવેલાં આંતરિક સંપને રવિવારના રોજ મુખ્ય સંપના પાણીથી ભરવાની કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને તાલુકા પંચાયત સભ્ય કૌશિક પટેલ સહિત અન્ય આગેવાનો હાજર રહયાં હતાં.

ભોલાવ-ઝાડેશ્વર ગામમાં પીવાનું મીઠુ પાણી આપવાનો સંકલ્પ
ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં પીવાનું મીઠુ પાણી મળી રહે તે માટે સરકારમાં રજુઆત કરી હતી. જેના સંદર્ભમાં 65 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવવામાં આવી છે. બંને ગામમાં પાઇપલાઇન નાખવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આજે મુખ્ય સંપમાંથી આંતરિક સંપોને પાણીથી ભરવામાં આવ્યાં છે. એક સપ્તાહની અંદર ઝાડેશ્વર ગામમાં.પીવાનું મીઠુ પાણી મળતું થઇ જશે. -દુષ્યંત પટેલ, ધારાસભ્ય,ભરૂચ.

અન્ય સમાચારો પણ છે...