દિલ્હી- મુંબઇ ફ્રેઇટ કોરિડોરની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે ત્યારે ભરૂચના થામ પાસે ગડર બેસાડવાની કામગીરી હાથ ધરાશે. જેના કારણે ભરૂચ- જંબુસર સ્ટેટ હાઇવે પર તારીખ 7 થી 10 સુધી ભારદારી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
એક્ષપ્રેસ ફેઇટ કન્સોટીયમ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પ્રોજેકટ કંપની તરફથી DFCC ચેઇનેજ 81-431 થામ રેલ્વે સ્ટેશન ખાતે મેજર R08-76 માટે ગર્ડર ઉભા કરવાનું કામ કરવામાં આવશે. જેના કારણે જંબુસરથી ભરૂચ જવાના રોડ ઉપર ટ્રાફીક ચાલુ રહે તો કામમાં અવરોધ ઉભો થાય તેમ છે.
જેથી ચાર દિવસ સુધી ભારે વાહનો, ટ્રાફીક જંબુસરથી દયાદરા, ત્રાલસા, હીલ્લા ચોકડી થઈ નબીપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત ભરૂચથી જંબુસર તરફના ભારે વાહનોનું રોડ ટ્રાફીક નર્મદા ચોકડી થઈ નબીપુર, હીલ્લા ચોકડી, ત્રાલસા, દયાદરા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યાં છે.
ચાર દિવસ સુધી ભરૂચ અને જંબુસર વચ્ચે અવરજવર કરતાં વાહનચાલકોએ આ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. થોડા દિવસો અગાઉ દહેગામ પાસે રેલવેની લાઇન પર 200 મે.ટન વજનનું ગડર બેસાડાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.