પાઉડર ચોરીનો ભેદ ઉકેલાયો:દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરી મામલે ચાર ઝડપાયા, રૂ. 7.90 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, એક વોન્ટેડ જાહેર કરાયો
  • ઝડપાયેલા તમામ આરોપીઓને દહેજ પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરાઇ

દહેજની જી.એ.સી.એલ કંપનીમાં પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે ચાર આરોપીઓને રૂપિયા 7.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ દહેજની જી.એ.સી.એલ કંપનીમાં થયેલા પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીના ગુનાને શોધી કાઢવા તપાસમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કંપનીમાં અગાઉ નોકરી કરતો દહેજના ટાવર ફળિયામાં રહેતો રાહુલ સુરેશ રાઠોડ અને તેના મિત્રોએ ભેગા મળી ચોરી કરી છે. તેમજ સાથે તેઓ એક મકાનમાં ભેગા થયા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી દહેજના ટાવર ફળિયામાં રહેતા રાહુલ સુરેશ રાઠોડ, વિક્કી રાજકુમાર પવાર, મહેશ બકોર રાઠોડ અને અજય કનુ રાઠોડને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલા ઈસમોની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે ચોરી કરી વેચી દીધેલા પાઉડરના તેમણે રૂ. 7.80 લાખ મળ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા અને ચાર ફોન મળી કુલ રૂ. 7.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા તમામ આરોપીઓને દહેજ પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો મુખ્ય સુત્રધાર રાહુલ સુરેશ રાઠોડ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ચાર અને પ્રોહીબીશન, ઘરફોડ ચોરી સહીતના છ ગુનામાં સંડોવાયેલો છે. તેમજ અજય રાઠોડ ઘરફોડ ચોરીના બે ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...