શીતલહેર:ભરૂચવાસીઓ માટે સોમવાર કોલ્ડેસ્ટ ડે ઠંડીનો પારો ગગડી 9 ડિગ્રી સુધી પહોંચ્યો

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરમાંથી પવનનું જોર વધતાં ઠંડીનું પ્રમાણ વધ્યું, હજી બે દિવસ વધુ ઠંડી રહેશે
  • છેલ્લા​​​​​​​ 10 વર્ષના આંકડા જોઇએ તો 6 વખત ભરૂચ જિલ્લાનું તાપમાન 9 ડિગ્રી કે તેથી નીચે ગયું છે

ભરૂચ જિલ્લાવાસીઓ માટે સોમવાર સૌથી કોલ્ડેસ્ટ ડે બની રહ્યો હતો. ઉત્તરભારતમાં થઇ રહેલી હિમવર્ષાને પગલે તાપમાનનો પારો ગગડી જતાં રાત્રિનું તાપમાન 9.5 ડીગ્રીએ પહોંચતાં લોકોઠંડીથી જાણે કે ઠુઠવાઇ રહ્યા હોય તેવો અનુભવ કર્યો હતો. સોમવારે દિવસભર પણ ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. ભરૂચમાં 10 વર્ષના ગાળામાં છઠ્ઠી મીવાર તાપમાનનો પારો ગગડીને 9 ડિગ્રી પર પહોંચી ગયો છે. ઠંડી સામે રક્ષણ મેળવવા માટે લોકો ઠેરઠેર તાપણા સળગાવીને રક્ષણ મેળવી રહ્યા છે. લોકોએ ગરમ વસ્ત્રો પહેર્યા વિના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

દાંડિયા બજારના સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનને પણ ઠંડીથી રક્ષણ આપવા માટે ગરમ વસ્ત્રોના વાઘા બનાવી પહેરાવવામાં આવ્યાં હતા.ઉત્તરભારતના વિવિધ વિસ્તારોમાં થયેલી હિમવર્ષાએ સ્થિતિ બદલી નાંખી છે. સોમવારે તાપમાન ઘટી જતાં સીઝનનો સૌથી કોલ્ડેસ્ટ ડે બની રહ્યો હતો. રવિવારે રાત્રિનું તાપમાન 9 ડીગ્રી નોંધાયું હતું જેના પગલે લોકોએ ઠંડીનો ભારે ચમકારો અનુભવ્યો હતો. શિયાળાની હાંજા ગગડાવતી ઠંડીનો પ્રારંભ થતાં લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાઓનો સહારો લીધો હતો.

રવિવારે સાંજથી શીતલહેરોને કારણે તાપમાનનો પારો ગગડવા લાગ્યો હતો અને મધ્યરાત્રિ સુધીમાં પારો 9 ડીગ્રીએ પહોંચી ગયો હતો. ઠંડીના ચમકારાને કારણે જનજીવન પર પણ અસર જોવા મળી હતી.સોમવારે સવારે પણ લોકો ઠંડીમાં ઠુઠવાતાં નજરે પડયાં હતાં. ઠંડીના સામ્રાજ્યથી ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. વળી નોકરી ધંધા અર્થે જતાં દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યાં છે. છેલ્લા 10 વર્ષના આંકડા જોઇએ તો 6 વખત ભરૂચ જિલ્લાનું તાપમાન 9 ડિગ્રી કે તેથી નીચું ગયું છે.

અસ્થમાના દર્દીને મુશ્કેલી
જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં શરદી ખાંસીની ફરિયાદો વધી છે. અસ્થમા જેવા રોગોનાં દર્દીઓને ઠંડી સતાવી રહી છે. નાની બીમારીની ફરિયાદો વધતા ફરીથી તબીબોને પણ સિઝન ફૂલી ફાલી છે. અસ્થમાના દર્દીઓની મુશ્કેલી વધી છે.

ઘરવિહોણાની દયનીય સ્થિતિ
કેટલાંય પરિવારો ઘરવિહોણા અને ફુટપાથ પર રહી જીવન ગુજારી રહ્યા છે. અપુરતા વસ્ત્રોને કારણે તેમને ઠંડી સામે રક્ષણ મેળવવા અન્ય કોઇ ઉકેલ ન રહેતા ઠુંઠવાતા રાત વિતાવી રહ્યા છે. ગામડેથી શહેરમાં રોજગારી અર્થે આવતા શ્રમજીવીઓ પણ દયનીય સ્થિતિમાં મુકાયા છે.

શિયાળામાં કસરતનો સહારો
જાન્યુઆરીની શરૂઆતથી ઠંડી સામ્રાજ્ય જમાવી રહી છે. પારો 10 ડિગ્રી કરતાં નીચે જતાં સવારનાં સમયે ઠંડીનું પ્રમાણ પણ વધી ગયુ છે. વહેલી સવારે માર્ગો પર મોર્નિંગ વોક માટે નિકળતા શહેરીજનો પણ સમયમાં ફેરફાર કરી મોડા મોડા ઘરમાંથી નીકળી રહ્યા છે. વર્ષભરની એનર્જી એકઠી કરી લેવા ભરપુર કસરતનો પણ લાભ ઉઠાવી રહ્યા છે.

ખેડૂતોએ શું તકેદારી રાખવી?
શેરડી ઉગાડતા ખેડુતોને સલાહ આપવામાં આવે છે કે ખેતરમાં તેના પાનનું પાળા ઉપર આચ્છાદન કરવાથી સાઠાં વેધક નિયંત્રણ તથા ભેજનો સંગ્રહ કરી શકાય. ઠંડીમા પશુઓ રાત્રે ખુલ્લામાં ન રાખવા નાના વાછરડાને પવનથી રક્ષણ આપવું, ખરવાની રસી મુકાવવી.

અન્ય સમાચારો પણ છે...