કેનાલમાં ગાબડું પડતા પાણી વિતરણ પર અસર:ચાર દિવસથી ભરૂચના 2 લાખ લોકોને એક એક ટંક જ પાણી મળે છે, સમસ્યાના ઉકેલના હજી કોઈ ઠેકાણા નહીં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં વર્ષના પેહલા દિવસે જ મસમોટું ગાબડું પડયું હતું. હજી સમારકામનું મુહૂર્ત નીકળ્યું નથી ત્યાં હવે વાંક કોનો નો સવાલ એકબીજા ઉપર ખો ને લઈ ઉભો થઇ રહ્યો છે.ભરૂચ તાલુકાના દભાલી થી કવિઠા વચ્ચે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં પડેલા મસમોટા ગાબડાંએ દેશની પ્રાચીન નગરી અને નર્મદા તટે વસેલા ભરૂચને 4 દિવસથી પાણી કાપમાં ધકેલી દીધું છે.

અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી જ શહેરને રોજીંદો 45 મિલિયન લીટર પર ડે એટલે કે 4.50 કરોડ લીટર પાણીનો જથ્થો બે ટાઈમમાં ભરૂચ પાલિકા પૂરો પાડે છે. જ્યારે સિંચાઈના પાણી પણ આમાંથી નહેર આસપાસના ખેડૂતોને મળે છે.વળી GNFC કંપની આજ નહેરમાંથી લિફ્ટ કરી પાણી મેળવે છે. હવે નર્મદા નિગમે ફોડ પાડ્યો છે કે, જીએનએફસી કંપનીના પંપ બંધ થતાં આ બનાવ બન્યો છે. 31 ડિસેમ્બરની રાતે નહેરમાં 170 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું. એક ક્યુસેક એટલે પ્રતિ સેકન્ડે 20.28 લીટર વહેતુ પાણી. જીએનએફસીનો પમ્પ બંધ હોવાથી તેની જાણ નિગમ ને કરાઈ ન હોય અને કેનાલ ઓવરફ્લો થઈ ગઈ હતી. જેને લઈ નહેરમાં ભંગાણ સર્જાયું.

બીજી તરફ એક જાન્યુઆરીએ ગાબડાંને લઈ ભરૂચ તાલુકાના બબુંસર, સામલોદ, કવિઠા અને દભાલી ગામની 300 એકર જમીન જળબંબાકાર થઈ ગઈ. ખેડૂતોનો પાક પાણીમાં તારાજ થતા નર્મદા નિગમ અને કલેકટરને રજૂઆત કરાઈ. હવે ખેડૂતો પણ વળતર ચુકવો પછી જ સમારકામની જીદ લઈને બેઠા છે.ભરૂચ પાલિકા તંત્રે તો આ સ્થિતિને લઈ 5 જાન્યુઆરીથી 10 દિવસનો પાણી કાપ લાદી માત્ર એક સમય જ પાણી આપી રહી છે. હજી સમારકામ શરૂ થયું નથી ક્યારે શરૂ થશે અને પૂર્ણ થશે તેની કોઈ સમય અવધિ નક્કી કરાઈ નથી.

નહેરમાંથી 24 કલાકમાં જ 41.59 કરોડ લીટર મહામુલા નર્મદાના નીર 170 ક્યુસેક પ્રમાણે વહી ગયા હતા. ગાબડાંને આજે 8 દિવસ થઈ ગયા છે ત્યારે કેટલું પાણી બરબાદ થયું, કેટલી ખેતી તારાજ થઈ અને ભરૂચની 2 લાખ પ્રજાની હાડમારીની ગણતરીનો કોઈ તાગ મેળવી શકાય તેમ નથી.

જો 15 જાન્યુઆરી સુધીમાં નહેરને દુરસ્ત કરવામાં નહિ આવે તો ભરૂચ શહેરને હાલ એક ટાઈમ મળતું પાણી પણ આગામી દિવસમાં ઉપલબ્ધ થશે કે નહીં તેના ઉપર હવે સવાલો ઉભા થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...