ભરૂચ જિલ્લામાં ખાણોની આસપાસ આવેલાં 66 ગામોમાં વિકાસ કામો માટે 26.81 કરોડ રૂપિયાના ભંડોળને કલેકટરે મંજૂરી આપી છે. ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનની એકઝીક્યુટીવ કમિટી તથા ગવર્નીંગ કાઉન્સિલની કલેક્ટર તુષાર સુમેરાના અધ્યકક્ષપણા હેઠળ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ખાણ ખનીજ ખનન પ્રવૃતિથી પ્રભાવિત ભરૂચ જિલ્લાના 66 ગામોમાં પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ વિકાસના કામો માટે 26.81 કરોડના કામોને સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.શિક્ષણ માટે 13.70 કરોડ, પાણીની સુવિધા માટે 2.36 કરોડ, આરોગ્ય માટે ૬૭.૮૦ લાખનાં, સ્વચ્છતા માટે 2.22 કરોડ, સિંચાઇ માટે 2.47 કરોડ,પર્યાવરણ જાળવણી તથા પ્રદૂષણ નિવારણ માટે 2.31 કરોડ તેમજ કૌશલ્ય વિકાસ માટે 1.10 કરોડનાં કામોનો સમાવેશ કરવામાં આવ્યા છે.
ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં નવી પ્રાથમિક કન્યા શાળા માટે 3 કરોડ રૂપિયા તેમજ ઝનોર પ્રાથમિક શાળાને મોડર્ન સ્કૂલ બનાવવા માટે 1.50 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તે સાથે 1.47 કરોડના ખર્ચે નવ ચેકડેમો બાંધવાની મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, રીતેશ વસાવા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.