'મારુ મન મોર બની થનગાટ કરે':લોકગાયક અભેસિંહ રાઠોડનો આજે 70મો જન્મદિવસ, મેઘાણી રચિત ગીતોને પોતાના કંઠ થકી જીવંત રાખ્યાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા પાંચ દાયકાઓથી વિશ્વભરનાં ગુજરાતીઓનાં હૈયે વસનાર તથા નવી પેઢીમાં રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન માટે સવિશેષ કાર્યરત વિશ્વવિખ્યાત લોકગાયક, સાહિત્ય-લોકસાહિત્ય-અભ્યાસુ, શિક્ષણવિદ્‌ અભેસિંહ રાઠોડનો આજે 70 મો જન્મદિવસ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોને પોતાના કંઠ થકી જીવંત રાખવામાં લોકગાયક અભેસિંહ રાઠોડનું અનન્ય અને વિશિષ્ટ પ્રદાન છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિવાર્ણભૂમિ બોટાદ પાસે આવેલા સરવા ગામમાં 03 નવેમ્બર 1952ના રોજ અભેસિંહ રાઠોડનો જન્મ થયો હતો. લોકસાહિત્ય-પ્રેમી ધરતી-પુત્ર પિતા માવુભાને અનેક પ્રાચીન દુહાઓ કંઠસ્થ હતા. ધર્મપરાયણ માતા સુબલબા.

વિદેશમાં પણ અનેક કાર્યક્રમો કર્યા
દક્ષિણ ગુજરાતમાં ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર અભેસિંહ રાઠોડના બુલંદ કંઠે મેઘાણી-ગીતોને, અસલ ઢબે, સાંભળવાનો એક લ્હાવો છે. ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોને પોતાના કંઠ થકી જીવંત રાખવામાં લોકગાયક અભેસિંહ રાઠોડનું અનન્ય અને વિશિષ્ટ પ્રદાન છે. અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, દુબઈ, ઓમાન, બહેરીન, આફ્રીકા જેવા વિવિધ દેશોમાં ગુજરાતનાં મૂલ્યવાન લોકસાહિત્ય-લોકસંગીતનો અભેસિંહ રાઠોડે પ્રચાર-પ્રસાર કર્યો છે. લોકસંગીત-લોકડાયરાના કાર્યક્ર્મોમાં હરહંમેશ સાત્વિક અને ઉચ્ચ સ્તર જાળવવામાં આવે તે માટે અભેસિંહભાઈ સવિશેષ પ્રયત્નશીલ છે.

અનેક ગૌરવભર્યાં પારિતોષિકોથી તેઓ સન્માનિત
અભેસિંહ રાઠોડે અનેક ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયન કર્યું છે. દૂરદર્શન અને આકાશવાણી પર પણ અવારનાર તેમના કાર્યક્ર્મો પ્રસારિત થાય છે. ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર (2004), કવિશ્રી કાગબાપુ લોકસાહિત્ય એવોર્ડ (2013), ગ્લોરી ઑફ ગુજરાત (2018) જેવાં અનેક ગૌરવભર્યાં પારિતોષિકોથી તેઓ સન્માનિત થયા છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં ડીરેકટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
મેઘાણી-ગીતોનાં કસુંબલ રંગે રંગાઈ ગયા
સરવાની સરકારી પ્રાથમિક શાળામાં ત્યારે ધોરણ 3માં અભ્યાસ કરતા 8 વર્ષના અભેસિંહભાઈએ સહુપ્રથમ ઝવેરચંદ મેઘાણી રચિત અતિ લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ શિક્ષક પાસેથી સાંભળ્યુંને મેઘાણી-ગીતોનાં કસુંબલ રંગે રંગાઈ ગયા. 1973માં બોટાદમાં કોલેજ-અભ્યાસ દરમિયાન મેઘાણી-જયંતી નિમિત્તે હજારોની માનવ-મેદની વચ્ચે સરકારી હાઈસ્કૂલની પાછળ આવેલા વિશાળ મેદાનમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં પ્રથમ વખત ભાગ લઈને મેઘાણી-ગીતો રજૂ કર્યા.
1976માં સાણંદ યુવરાજ દુર્ગાપ્રસાદસિંહજીના અમદાવાદમાં આશ્રમ રોડ પાસે આવેલ ચિત્રકૂટ એપાર્ટમેન્ટ નિવાસસ્થાને યોજાયેલ એક મેળાવડામાં શાસ્ત્રીય સંગીતના જગવિખ્યાત ગાયક પંડિત જસરાજજી પધારેલા. યુવરાજ દુર્ગાપ્રસાદસિંહજી વાંસળી વગાડે. ઝવેરચંદ મેઘાણી કૃત રઢિયાળી રાતમાંથી કાન તારી મોરલી લોકગીત અભેસિંહ રાઠોડે રજૂ કર્યુંને પંડિત જસરાજજી અતિ પ્રભાવિત થયા. શાસ્ત્રીય સંગીતની સાધના માટેની ઈચ્છા અભેસિંહભાઈએ પંડિતજી પાસે વ્યક્ત કરી. તો પંડિતજી કહે, લોકસંગીતની તારે ઈશ્વરીય બક્ષિસ છે. લોકસંગીતના કણ તારી ગાયકીમાં સહજપણે અને કુદરતી રીતે છે. લોકસંગીત ક્ષેત્રે જ આગળ વધ. તારી ખૂબ નામના થશે તેવી મને શ્રધ્ધા છે મારા આશીર્વાદ છે.
​​​​​​​છેલ્લા 40 વર્ષથી શિક્ષણ-ક્ષેત્ર સાથે જોડાયેલાં
આઝાદી પૂર્વે 1943માં ભરૂચના લાલબજાર વિસ્તારમાં સ્થપાયેલી ઐતિહાસિક પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ 2000નાં ધરતીકંપમાં ગંભીર ક્ષતિ પામી હતી. છેલ્લા 40 વર્ષથી શિક્ષણ-ક્ષેત્ર સાથે જોડાયેલાં જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડે આ શાળાને ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલી આશ્રય સોસાયટીમાં પુન:પ્રસ્થાપિત કરી. પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધરાવતી ભરૂચની આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 45 જેટલી અનાથ અને નિરાશ્રિત બાળાઓ તથા સામાજિક અને આર્થિક રીતે પછાત બાળકોને પણ અહિ લાગણીથી શિક્ષણ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...