મારામારી:વાલિયાના ચોટલીયામાં શેરડી સળગાવી દીધાની આશંકાએ પાંચ શખ્સોએ પાંચ યુવાનોને માર માર્યો

ભરૂચ18 દિવસ પહેલા
  • યુવાનોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાઇ
  • ફરિયાદ કરવા આવેલી મહિલાઓને પણ પોલીસ મથક બહાર માર માર્યો હોવાના આક્ષેપ

વાલિયા તાલુકાના ચોટલીયા ગામમાં શેરડી સળગાવી દીધી હોવાની આશંકાએ પાંચ માથાભારે તત્વોએ પાંચ યુવાનોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

વાલિયા તાલુકાના ચોટલીયા ગામમાં રહેતો 24 વર્ષીય મહેશ દલપત વસાવા પોતાની બાઈક લઈ ટેકરી ફળિયામાં પોતાના મિત્રના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ચાલુ બાઈકે ગામના ધર્મેશ ગણપત વસાવાએ અચાનક યુવાનને પરેશ રામચતુર વસાવાની શેરડી કેમ સળગાવી તેમ કહી માર માર્યો હતો. જેનું ઉપરાણું લઈ જ્યેન્દ્ર ગણપત વસાવા, પરેશ રામચતુર વસાવા, પ્રદીપ રામચતુર વસાવા અને ધનસુખ ભારમલ વસાવાએ પણ યુવાનને માર માર્યો હતો.

યુવાને બુમરાણ મચાવતા નિતેશ વસાવા, જયેશ વસાવા, અશોક વસાવા તેમજ નવનીત વસાવા તેને બચાવવા આવતા શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. આ મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આ મારામારી અંગે ફરિયાદ કરવા આવેલી મહિલાઓને પણ પોલીસ મથક બહાર માથાભારે તત્વોએ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે સામા પક્ષે આ તમામ આક્ષેપોને પાયા વિહોણા હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...