ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં છેલ્લાં કેટલાંક સમયથી ઝોલાછાપ ડોક્ટરો અડિંગો જમાવી બેઠાં છે. ત્યારે થોડા સમય પહેલાં એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ સાગમટા દરોડા પાડી જિલ્લાભરમાંથી 25થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં. દરમિયાનમાં દહેજ મરીન પોલીસે પુન: ચેકિંગ હાથ ધરતાં જાગેશ્વર ગામમાં જ 5 બોગસ તબીબ ઝડપાયાં હતાં. ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં પશ્વિમ બંગાળના તેમજ બિહારના બોગસ તબીબો અડિંગો જમાવી મેડિકલ પ્રેક્ટિસનરના સર્ટીફિકેટ વિના જ સારવાર કરતાં હોય છે.
ત્યારે જૂન મહિનામાં ભરૂચ એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસ સહિતની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 25થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં. દરમિયાનમાં દહેજ મરીન પોલીસની ટીમે પંથકમાં હજી પણ આ પ્રકારની ગતિવિધી ચાલે છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી.
જેમાં જાગેશ્વર ગામે જ અલગ અલગ સ્થળે 5 બોગસ તબીબો લોકોની સારવાર કરતાં ઝડપાઇ ગયાં હતાં. ઝડપાયેલાં બોગસ તબીબોની પુછપરછ કરતાં તેમના નામ મધુમંગલ જયદેવ બિશ્વાસ (રહે. ગબરપૂતા, પશ્ચિમ બંગાળ), બિશ્વજીત ત્રિનાથ બિશ્વાસ (રહે. હુદા, પ.બંગાળ), લીટન નિમાચંદ મંડળ (રહે. ભીમાપૂર, પ. બંગાળ) રાજીવ શિવચરણપ્રસાદ સિંઘ (રેહ. બારાહાટ, બિહાર) તેમજ સંજુ ગમતી મિશ્રા (રહે. બગહી, બિહાર) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તમામ 5 બોગસ તબીબો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.