ભરૂચના કુકરવાડા અને વેજલપુર ગામની સીમમાં આવેલાં નર્મદા નદીના પટમાંથી કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદે રીતે રેતી ઉલેચી તેનો અન્ય સ્થળે ઉપયોગ માટે લઇ જવાતી હોવાનું ધ્યાનમાં આવતાં સ્થાનિક આગેવાનોએ સ્થળ પર જઈને છાપો માર્યો હતો. તેમણે સ્થળ પરથી 15 ટ્રકો તેમજ નંબર વિનાના બે હિટાચી મશીન અટકાવ્યાં હતાં. આ સમગ્ર મામલામાં સ્થાનિકોએ કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ તેમજ સચિવને ફરિયાદ કરી હતી.
ભરૂચના બંબાખાના સહિતના આસપાસના માછી સમાજના આગેવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, ગેરકાયદે રેતી ખનન માટે ટ્રકો ભરૂ રાત્રીના સમયે ઓવરલોડ રેતી ભરી વાહનો પસાર કરવામાં આવે છે. જેના પગલે માછી સમાજના આગેવાનો અને અન્ય સ્થાનિકોએ કુકરવાડા ખાતે પહોંચી નર્મદા નદી કિનારેથી રેતી ઉલેચવાનો કારસો ઝડપી પાડ્યો હતો. જેમાં તેમણે 15 ટ્રકને અટકાવી હતી જ્યારે અન્ય 15થી 20 ટ્રક ત્યાંથી નાસી છુટી હતી. ઝડપાયેલી ટ્રકમાં રેતી ભરેલી હોઇ તે અંગેની પાસ પરમીટની માંગણી કરતાં તે તેમની પાસે મળી ન હતી. ઉપરાંત સ્થળ પર બે રેતી ઉલેચવાની બે હિટાચી મશીન પણ મળી આવ્યાં હતાં.
ઘટનાને પગલે માછી સમાજના આગેવાનોએ સમગ્ર ઘટનાના વિડિયો તેમજ અન્ય પુરાવા કલેક્ટર, ખાણખનીજ વિભાગને સુપરત કરી ફરિયાદ કરવા સાથે રાજ્ય સરકારને ઇ-મેઇલ થકી મોકલી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દિલીપ બિલ્ડકોન કંપની ભાડભૂત ડેમ-બેરેજ યોજના બેરેજના કન્સ્ટ્રક્શન માટે અંધારાનો લાભ ઉઠાી રેતી ચોરી કરી રહ્યાં હોઇ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
લોકોએ અટકાવેલી ટ્રકો ભાડભૂત બેરેજ યોજનાના કેન્ટ્રાક્ટરની
નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચતાં કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવી રહેલા લોકોએ અટકાવેલી ટ્રકો ઉપર દિલીપ બિલ્ડકોન લિમિડેટ લખ્યું છે. જે એજન્સી હાલમાં ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી કરી રહી છે. રાત્રીના સમયે રેતી ઉલેચી આ એજન્સી દ્વારા તે રેતીનો ઉપયોગ કરાતો હોવાની શંકા વ્યક્ત કરી તેમાં યોગ્ય તપાસ કરવાની માંગ સાથે સ્થાનિક આગેવાનોએ સંબંધિત તમામ વિભાગોને ફરિયાદ કરી કાર્યવાહીની માગણી કરી હતી.
ટીમ દ્વારા સ્થળ તપાસ કરાશે, જો કસુરવાર હશે તો કાર્યવાહી કરાશે
કુકરવાડા નજીક હાલમાં બુલેટટ્રેનની કામગીરી ચાલી રહી છે. ત્યારે સ્થળને સમતલ કરવા માટે તેમજ તેના કન્સ્ટ્રક્શન માટે ઈજારદારો તે રેતીનો ઉપયોગ કરી શકે છે પણ જો અન્ય સ્થળે લઇ જવાતી હોય તો ગુનો બને છે. અમારી ટીમ સ્થળ પર જઈને તપાસ કરશે. તેમજ જો કોઇ કસુર જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.> કેયુર રાજપરા, ભુસ્તરશાસ્ત્રી, ભરૂચ.
નદીમાં ખાનગી કંપની દ્વારા CRZ ના કાયદાનું પણ ઉલ્લંઘન થયું છે
આ ખાનગી કંપની જે નર્મદા નદીના વિસ્તારમાંથી રેતી કાઢી રહેલા છે તે CRZ થી પ્રતિબંધિત વિસ્તાર હોય, CRZ ના કાયદાનું પણ ઉલ્લંઘન થઈ રહેલું છે. કંપની દ્વારા લાખો ટન રેતી ચોરી કરીને સરકારની કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરી કરીને સરકારને કરોડોનું નુકશાન કરાઈ રહ્યું હોવાની રાવ સાથે ફરિયાદ કરાઈ છે.> કમલેશ મઢીવાલા, સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.