ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે આડેધડ રીતે પાર્ક કરાયેલાં વાહનોને ટો કરવામાં આવી રહયાં છે પણ ટોવાળા મનમાની કરતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. મકતમપુર સ્થિત સિધ્ધિવિનાયક મંદિર ખાતે વોર્ડ નંબર 6 અને 7ના રહિશો માટે યોજાયેલી રાત્રિ સભામાં આ મુદ્દો લોકોએ ઉઠાવ્યો હતો.
દાંડીયાબજાર, ધોળીકુઇ, કસક, મકતમપુર સહિતના પૂર્વ વિસ્તારને આવરી લેતાં વોર્ડ નંબર 6 અને 7ની રાત્રિ સભા મળી હતી. જેમાં બંને વોર્ડના નગરસેવકો, પાલિકાના દરેક વિભાગના અધિકારીઓ, કારોબારી સમિતિના ચેરમેન સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં. તેમણે સ્થાનિક રહીશોની સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી.
રાત્રિ સભામાં વાહનોને ટો કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ટો વાળા આડેધડ રીતે વાહનો લઇ જઇને દંડ વસુલી રહયાં છે. જયારે શહેરમાં વાહન પાર્કિંગ માટેની કોઇ વ્યવસ્થા નથી. શહેરના રસ્તાઓ પર સફેદ પટ્ટા મારવા જોઇએ જેથી વાહનચાલકોને ખ્યાલ આવે કે અહીં જ વાહન પાર્ક કરવું જોઇએ. સભામાં હાજર રહેલાં સી ડીવીઝન પીઆઇએ આ બાબતે કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી.
આધારકાર્ડ માટે સ્લમ વિસ્તારમાં કેન્દ્રો શરૂ કરો
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 7માં સૌથી વધારે સ્લમ વિસ્તાર છે અને તેમાં રહેતાં લોકોને ઓનલાઇન ફોર્મ ભરવા સહીતની પધ્ધતિ આવડતી નથી. અને હાલમાં આધારકાર્ડ-પાનકાર્ડ લીંક કરવાનું ચાલી રહયું છે ત્યારે ગરીબ લોકોને ધકકા પડી રહયાં છે. સ્લમ વિસ્તારમાં આધારકાર્ડ માટેના કેન્દ્રો શરૂ કરવા જણાવ્યું છે. > સુરભિ તમાકુવાલા, નગરસેવક, વોર્ડ નંબર -7
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.