ભરૂચ શહેર તથા જિલ્લામાં હોળી-ધુળેટીના પર્વનો ધમધમાટ જોવા મળી રહયો છે ત્યારે વૈદિક હોળીના વધતાં ચલણના કારણે લાકડાના વેચાણમાં ઘટાડો થયો છે. દર વર્ષે 80 હજાર કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારમાં થતો હોય છે. ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહયાં છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર, પાણીનો બચાવ સાથે લાકડાંનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે.ગામ સોસાયટી વચ્ચે સામુહિક એક જ હોળી, પ્રાકૃતિક, વૈદિક હોળીના પાછલા ચારથી પાંચ વર્ષમાં વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે.
આ હોળી પર્વે લાકડાંના ભાવોમાં માત્ર એક રૂપિયાનો વધારો થયો છે પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં 70 વર્ષ ઉપરાંતથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી કહી રહ્યા છે કે, લાકડાંનો કિલોનો ભાવ 8 રૂપિયા અને મણના 160 છે પણ વેચાણમાં ભારે ઘટાડો છે. જેની પાછળ વૈદિક, પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કરણભૂત છે. પેહલા એક હોળી પ્રગટાવવા પાછળ 10 થી 20 મણ એટલે કે 200 થી 400 કિલો લાકડાં દહન થતા હોય છે.
જિલ્લામાં સરેરાશ નાની મોટી થઈ 2000 થી પણ વધુ હોળી પ્રગટતી હશે. જેને લઈ અનુમાન લગાવીએ તો 40 થી 80 હજાર કિલો લાકડાંનું દહન થાય છે. જે જોતા હજારો વૃક્ષ અને પર્યાવરણનું નિકંદન નીકળે છે. જેની સામે હવે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જતનની ભાવનાને લઈ લાકડાનો ઉપયોગ ઘટતા મહામુલા વૃક્ષો ઘટી રહ્યાં છે. જેને આવકારદાયક પગલું ગણી શકાય. ગ્લોબલ વાર્મિંગના કારણે વૃક્ષોના વાવેતર પર ભાર મુકવામાં આવ્યો છે તેવામાં હોળીના તહેવારમાં લાકડાની અોછી ખપત પર્યાવરણના જતનમાં લોકોનું જતન બતાવી રહયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.