અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકામાં ચાલુ સપ્તાહ દરમિયાન ખેડૂતો ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાયેલા છે. આ વર્ષે અંકલેશ્વર તાલુકામાં અંદાજે 2200 હેક્ટર જમીનમાં ડાંગરનો પાક લેવાયો છે. જ્યારે હાંસોટ તાલુકામાં અંદાજે 1300 હેક્ટર જમીનમાં સ્થાનિક ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું.
અંકલેશ્વર અને હાંસોટ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ડાંગરના પાકની કાપણીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અંકલેશ્વર તાલુકામાં અંદાજે 2200 હેક્ટર જમીનમાં ડાંગરનો પાક લેવાયો છે. જ્યારે હાંસોટ તાલુકામાં અંદાજે 1300 હેક્ટર જમીનમાં સ્થાનિક ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. જેમાં જયશ્રી, ગુર્જરી, નાથપૌવા જેવી ડાંગરની જાતનો સમાવેશ થયો છે. મોટેભાગે પૌવાની બનાવટમાં ઉપયોગમાં લેવાતી ડાંગરની જાતો છે.
આ વર્ષે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ખેતરોમાં મોટા પ્રમાણમાં ડાંગરના ઉભા પાકમાં રસકસ જોવા મળ્યો છે. ઉભા પાકની કાપણી સમયસર પુર્ણતા તરફ આગળ વધતા ખેડૂતોએ રાહત અનુભવી છે. સ્થાનિક ખેડૂતોના મતે ગત વર્ષની સરખામણીમાં ડાંગરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ સીઝનમાં પ્રતિ મણ 361 રૂપિયાનો ડાંગરનો ભાવ મળ્યો છે જે ગત સિઝનમાં 300 જેટલો હતો. આમ તો સ્થાનિક ખેડૂતો વર્ષમાં બે વાર ડાંગરનો પાક લેતા હોય છે. જોકે, ગત સિઝનમાં પાછોતરા વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યુ હતું, પરંતુ આ સીઝન સારી રહેતા સ્થાનિક ખેડૂતોએ રાહતની લાગણી વ્યકત કરી હતી.
ડાંગરની કાપણી અત્યાર સુધી આમ તો પરંપરાગત ઢબે દાતરડા થી થતી આવી છે .એક મત મુજબ દાતરડા વડે ડાંગરની કાપણી માટે લગભગ 170 થી 200 કલાક જેટલો સમય લાગે છે. જોકે, અંકલેશ્વર-હાંસોટ પંથકના ખેડૂતો હવે મોટે ભાગે હાર્વેસ્ટર મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ટિકલ કન્વેયરની મદદથી ઝડપથી પાકની કાપણી થાય છે. જેથી કાપણી માટે સમય તેમજ ખર્ચ પણ બચાવી શકાય છે. પ્રતિ કલાક એક હેક્ટર જમીનનો પાક કાપી શકાય છે. અંક્લેશ્વર હાંસોટ તાલુકાના ખેડૂતો બારડોલી વલસાડ ઉપરાંત પંજાબથી ખાસ સીઝનમાં હાર્વેસ્ટર મશીન લઇ આવતા લોકો પાસે ભાડેથી પાક ની કાપણી કરાવે છે. પ્રતિ વિઘા રૂપિયા 1200 થી રૂપિયા 1500 ભાડુ ચુકવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.