વાતાવરણ વિલન બન્યું:ભરૂચની એવરેસ્ટ ગર્લ સીમા ભગતને એવરેસ્ટ સર કરવામાં માત્ર 924 મીટરનું અંતર રહી ગયું, હવે આવતા વર્ષે પ્રયાસ કરશે

ભરૂચ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચની માઉન્ટેન ગર્લ સીમા ભગત વિષમ આબોહવા અને પરિસ્થિતીને લઈ 52 દિવસથી સર કરી રહેલ હિમાલય ચઢાણ માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવવાથી માત્ર 924 મીટર દૂર રહી ગઈ છે. જોકે 2024માં એવરેસ્ટને ફરી મળવાના કોલ સાથે તે પરત ફરી રહી છે.

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામની આદિવાસી દીકરીએ માર્ચ - 2022 માં આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટનું પર્વતારોહણ કરી દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ હતું. માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતી સિમા ભગતે વિશ્વના સૌથી ઉંચા પર્વત “માઉન્ટ એવરેસ્ટની”ની ચઢાઈ કરવાનું બિડું 52 દિવસ પેહલા ઝડપ્યું હતું. માઉન્ટ એવરેસ્ટ સર કરી તેના પર તિરંગો લહેરાવવાની સીમા ભગતના સ્વપ્નને સાકાર કરવા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ અને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે અન્ય કંપનીઓ અને સંસ્થાઓ SP ની એક ટહેલથી આગળ આવ્યા હતા.

ભરૂચથી દિલ્હી અને ત્યાંથી નેપાળ સીમા ભગત 60 દિવસની વિશ્વના સૌથી ઊંચા પર્વતના શિખરે પહોંચવા નીકળી ગઈ હતી. જોકે વિષમ અને પ્રતિકૂળ હવામાનને લઈ સીમાએ તેની એવરેસ્ટ યાત્રા 52 માં દિવસે મજબૂરી અને કુદરતને વશ આટોપી લેવી પડી છે.

સીમા હિમાલયન કેમ્પ 4 એટલે કે એવરેસ્ટ પર 7925 મીટર સુધી 52 દિવસમાં પહોંચી ગઈ હતી. હવે તે એવરેસ્ટને સર કરવાથી માત્ર 924 મીટર જ દૂર હતી. જોકે ખરાબ હવામાને તેની યાત્રાને આ વખતે બ્રેક લગાવી દીધી છે. આ માઉન્ટેન ગર્લ 2024 માં ફરી શિખર સર કરવાના દ્રઢ નિશ્ચય સાથે ભરૂચ પરત ફરી રહી છે.