તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકજામની સમસ્યા:ભરૂચમાં 80 કરોડના ફ્લાયઓવર બ્રિજની જાહેરાતના બે વર્ષે પણ DPR નથી બનાવાયો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રવણ ચોકડી પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવા ધારાસભ્ય દુષ્યંત પટેલે અનેક વખત રજૂઆત કરી હતી
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક જ કામની બે વખત જાહેરાત કરી પણ હજી તમામ કામગીરી કાગળ પર

ભરૂચ શહેરના લીંક રોડ ઉપર શ્રવણ ચોકડી ખાતે છેલ્લા ઘણા સમયથી જરૂરીયાત અને રજૂઆતોને ધ્યાને લઈને ધારાસભ્ય દુષ્યત પટેલે ફ્લાય ઓવર બ્રિજ માટે રાજ્ય સરકારમાં ભલામણ કરતાં બે વર્ષ પૂર્વે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે રૂપિયા 80 કરોડના ખર્ચે આ બ્રિજને લીલીઝંડી આપી દીધી છે.

બે વર્ષથી આ બ્રિજનો ડીપીઆર જ નહીં બનતાં શુક્રવારે નાયબ મુખ્યમંત્રીએ આ બ્રિજ બનાવવા માટેની બીજી વખત જાહેરાત કરી છે. શ્રવણ ચોકડી ઉપર ટ્રાફિકજામની સમસ્યા શહેરીજનો સાથે ઉદ્યોગો, નોકરીયાત , વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે પણ માથાનો દુઃખાવો બની ગઈ છે. ત્યારે બે વર્ષથી લટકતી આ બ્રિજની જાહેરાત બાદ આગામી ચૂંટણી સુધી કામ શરૂ થશે કે પછી હજી લોલીપોપ સાબિત થશે તેના ઉપર હવે લોકોની મીટ મંડાઈ છે. જો આ ફલાયઓવર બ્રિજ બનશે તો શહેરના લોકો માટે ટ્રાફિકજામ ભૂતકાળ બનવા સાથે અકસ્માતના જોખમમાંથી પણ છૂટકારો મળશે.

ફલાયઓવર બ્રિજ બન્યા બાદ આ વિસ્તારની 4 શાળાનાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કૂલ વર્ધીના વાહનો, કંપનીના વાહનો, નોકરીયાતો, 150 જેટલી સોસાયટીના રહિશો, વાહનચાલકો, નર્મદા ચોકડીથી જંબુસર બાયપાસ થઈને દહેજ જંબુસર જતા રોજિંદા વાહનોને સુવિધા સાથે ફાયદો થવાના હજી સપના જ બતાવવામાં આવી રહ્યાં છે.

આગામી 3 વર્ષમાં ભરૂચમાં 4 નવા બ્રિજ અને 2 ફલાયઓવર બનાવાશે
ભરૂચ જિલ્લામાં કરોડો - અરબોના પ્રોજેકટને લઈ આગામી ૩ વર્ષમાં ભરૂચ સિટી અને આજુબાજુ નવા ૪ બ્રિજ અને ૨ ફલાયઓવર બની જશે . જેમાં નર્મદા મૈયા બ્રિજ , ડીએફસી ગુડઝ પ્રોજેકટ રેલવે બ્રિજ , એકસપ્રેસ વે બ્રિજ અને બુલેટ ટ્રેન પ્રોજેકટ બ્રિજનો સમાવેશ થાય છે.

આ ફ્લાય ઓવરબ્રિજની ડિઝાઈન શહેરની શોભામાં આકર્ષણરૂપ હશે
શ્રવણ ચોકડી ઉપર બનનારા ફલાયઓવર બ્રિજની ડિઝાઈન આધુનિક અને અત્યંત આકર્ષક હશે. જેનાથી શહેરની શોભામાં પણ અભિવૃદ્ધિ થશે. બ્રિજ નિર્માણ બાદ દહેજથી નર્મદા ચોકડી સુધીનો કંપનીઓના ભારદારી વાહનોનો ટ્રાફિક પણ સડસડાટ દોડશે. સાથે જ નીચેથી શહેરીજનો આરામથી પસાર થઈ શકશે.

2022માં ભરૂચમાં બ્રિજની સંખ્યા 16 પર જશે
હાલ નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજ , સિલ્વર રેલવે બ્રિજ , જૂનો અને નવો સરદાર બ્રિજ , કેબલ બ્રિજ , ઉપરાંત ભૃગુઋષિ ફલાયઓવર , નંદેલાવ- જંબુસર બાયપાસ ઓવરબ્રિજ છે . હવે નર્મદા મૈયા ફોરલેન બ્રિજ , કોલેજ રોડ પર ફલાયઓવર , નવા રેલવેના ૨ , રોડનો એક બ્રિજ આવતા વર્ષ ૨૦૨૨ માં ભરૂચ આસપાસ પુલોની સંખ્યા 16 ઉપર પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...