વાલિયા-વાડી માર્ગ ઉપર કિમ નદીનો બ્રિજ જર્જરિત બનતા તંત્ર દ્વારા ભારે વાહનોના અવર-જવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે આઠ મહિના વીતી ગયા હોવા છતાં તેમજ જાહેરનામાની મુદ્દત પુરી થઈ ગઈ હોવા છતાં હજું સુધી કામગીરી શરૂ થઈ નથી. જેને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાલિયા-વાડી ગામને જોડતો માર્ગ આવેલ છે જે માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કિમ નદી પર વર્ષ-1964-65માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે બ્રીજ ઉપરથી હજારો વાહન ચાલકો દિવસ દરમિયાન પસાર થાય છે આ માર્ગ વાલિયા, વાડી, જંખવાવ,માંડવી થઇ સોનગઢ તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં જતા વાહન ચાલકો ઉપયોગ કરે છે ભારે વાહનોને કારણે બ્રિજ હાલમાં અત્યંત જર્જરિત બન્યો છે જેને લઇ વહીવટી તંત્ર દ્વારા બ્રિજના બંને છેડે 12 ટનથી વધુના ભારે વાહનો પર પ્રતિબંધના બોર્ડ અને બેરીકેટિંગ કરવામાં આવ્યું છે હાલ નવા બ્રિજનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી બ્રિજના બંને છેડે ભારે વાહનોના અવર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
તારીખ-23મી ઓગસ્ટ 2022થી 22 ફેબ્રુઆરી 2023 સુધી બ્રિજ ઉપરથી ભારે વાહનોના અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સાથે વાલીયાથી વાડી જતા ભારે વાહનોને નેત્રંગ થઈ વાડી તરફ જવા આદેશ કરવામાં આવ્યો છે તો વાડીથી વાલિયા તરફ આવતા ભારે વાહનોને નેત્રંગ થઈ વાલિયા માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું છે અને જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ જાહેરનામાની મુદ્દત પૂર્ણ થવા છતાં કામગીરી નહીં કરવામાં આવતા વાહન ચાલકો સાથે ગ્રામજનોમાં રોષ ભભૂકી રહ્યો છે. સાથે ડાઈવર્ઝનની કામગીરી પણ અધુરી પડતી મૂકી દેવાતા વાહન ચાલકો હેરાન પરેશાન બની ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.