સાંસદ સામે વિરોધ:ભરૂચની વિવિધ મામલતદાર કચેરીઓ ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી, આવતીકાલે માસ સીએલ પર ઉતરશે

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનસુખ વસાવાએ મામલતદાર તેમજ મહેસુલ વિભાગના અધિકારીને ખખડાવીને ગાળો ભાંડી હતી
  • જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિતના વિસ્તારમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વર્તનના વિરોધમાં ભરૂચ જિલ્લાની વિવિધ મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓએ આજે ગુરૂવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આવતીકાલે શુક્રવારે કર્મચારીઓ માસ સીએલ પર પણ ઉતરશે.

કરજણ તાલુકાના માલોદ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં ભરૂચના 3 વ્યક્તિઓના મૃત્યુ થવાની ઘટનામાં સ્થળ મુલાકાતે પહોંચેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર તેમજ મહેસુલ વિભાગના અધિકારીને ખખડાવ્યા હતા અને તેમને ગાળો ભાંડી હતી. જો કે આ અંગે સાંસદે ખુલાસો આપી જણાવ્યું હતું કે કોઈના મૃત્યુ પર આ અધિકારીઓ હસી રહ્યા હતા, જેથી તેમનો પિત્તો ગયો હતો.

સાંસદના આ વર્તન સામે મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં આજરોજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, વાલિયા સહિતના વિસ્તારમાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી. આ કર્મચારીઓ આવતીકાલે શુક્રવારના રોજ માસ સીએલ પર ઉતરશે. નોંધનીય છે કે સાંસદ મનસુખ વસાવા માફી માંગેની માંગ સાથે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...