જિલ્લામાં આવેલા કેમિકલ ઉદ્યોગોને કારણે આકસ્મિક ઘટનાઓ પણ વધી રહી છે. જેને લઈને આવા સંજોગોમાં બચાવ કાર્ય કેવી રીતે કરી શકાય તે અંતર્ગત પાલોની જીઆઈડીસીમાં તંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લો ગુજરાત રાજયમાં વિપુલ પ્રમાણમાં કેમિકલ કારખાના ધરાવતો જિલ્લો છે. કેમિકલ કારખાનાઓમાં ઝેરી કેમીકલ, ગળતર, આગ, ધડાકા વગેરે જેવા બનાવો બનવાની શકયતાઓ વધુ પ્રમાણમાં રહેલ છે.
આવા બનાવોના સમયે કારખાના દ્વારા પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાની જરૂરીઆત રહે છે. નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય- ભરૂચ કચેરીના અધિકારીઓ એસ.પી.પાઠક, મદદનીશ નિયામક અને વાય.એમ.પટેલ મદદનીશ નિયામકની હાજરીમાં જી.આઇ.ડી.સી- પાનોલીમાં આવેલા કેમીનોવા ઈન્ડિયા લી. કારખાનામાં ઓનસાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રીલના સિનારીયો તરીકે કંપનીના કલોરીન સ્ટોરેજ એરીયામાં કલોરીન ( ઝેરી ) ગેસ લીકેજ થયો હતો. આ લીકેજને કારણે કારખાનાના ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ તથા અન્ય શ્રમયોગીઓ દ્વારા સલામતી સાધનો, એમોનિયા ટોર્ચ તથા કલોરીન લીકેજ એરેસ્ટેડ કીટ વિગેરેની મદદથી કંટ્રોલ કરવામાં આવ્યું હતું.વધુમાં આ સમયે કારખાનાના અન્ય કર્મચારીઓ, શ્રમયોગીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રીલ સફળ રીતે પૂર્ણ થયા બાદ મોકડ્રીલના ઓબ્ઝર્વેશન અંગેની મીટીંગ યોજાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.