પેટાચૂંટણી:ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10 અને તાલુકાની નિકોરા બેઠકની પેટાચૂંટણીમાં નીરસ મતદાન

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોરે 1 વાગ્યા સુધી નિકોરા બેઠક પર 39.32 % જ્યારે વોર્ડ નંબર 10 ની એક બેઠક પર 16.95 % કંગાળ મતદાન

ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 10 અને તાલુકા પંચાયતની નિકોરાની બન્ને મહિલા બેઠકો પર રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળ્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી નિકોરા બેઠક પર 39.32 % જ્યારે ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક પર માત્ર 16.95 % કંગાળ મતદાન નોંધાયું હતું.

ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 માં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અસમાબેન શેખ અને ભરૂચ તાલુકાની નિકોરા બેઠકના ભાજપી સભ્ય ધર્મીષ્ટા પટેલનું કોરાનાથી નિધન થતા બન્ને બેઠકો ખાલી પડી હતી.બન્ને ખાલી પડેલી મહિલા બેઠક માટે રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોવિડ ગાઈડલાઈન હેઠળ પેટા ચૂંટણી યોજાઈ હતી.

સવારે 7 વાગ્યાથી મતદારોમાં નિરસતા જોવા મળી હતી. બપોરે 1 વાગ્યા સુધી ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 ની બેઠક માટે માત્ર 16.95 ટકા મતદાન થયું હતું. કુલ 16506 મતદારો પૈકી 2797 એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે જોતા સરેરાશ કુલ મતદાન માંડ 40 ટકા આસપાસ રહે તેવી શકયતા છે.

ભરૂચ તાલુકાની નિકોરા બેઠક માટે મતદાન થોડું ઉત્સાહજનક રહ્યું હતું. બપોરે 1 વાગ્યા સુધી કુલ 7625 મતદારો પૈકી 2998 એ મતદાન કરતા ટકાવારી 39.32 ટકા નોંધાઇ હતી. નિકોરા બેઠક માટે કુલ સરેરાશ મતદાન 55 % ને પાર કરી જાય તેમ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ગઢ એવા વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM વચ્ચે ચતુષ્કોણીય ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. જ્યારે નિકોરા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. આગામી 5 ઓક્ટોબરે બન્ને બેઠક માટે મતગણતરી હાથ ધરાનાર છે.

અન્ય સમાચારો પણ છે...