ભરૂચની જીએનએફસી કંપનીમાંથી બારડોલીની આરાધના સોસાયટીમાં રહેતાં ઘનશ્યામ સિંગ રાજેશસિંગ તેમના ટેન્કરમાં એસિટીક એસિડ ભરીને અન્ય સ્થળે આપવા જઇ રહ્યો હતો. દરમિયાનમાં લુવારા બાયપાસ પાસે તેઓ યુટર્ન લેવા જઇ રહ્યાં હતાં. તે વેળાં અન્ય એક ટ્રેલર ટ્રકે પાછળથી ટક્કર મારતાં ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર ચાલક ઘનશ્યામ તેની કેબિનમાં જ દબાઇ ગયો હતો. આસપાસના લોકોએ દોડી આવી ભારે જહેમતે તેને બહાર કાઢી 108ની મદદથી તેનેે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્સપિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું માત્ર 13 મિનિટમાં જ સારવાર વેળાં મોત નિપજ્યું હતું.
અકસ્માતન પગલે હાઇવ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવાની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી એક તરફનો વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાતાં ચારેક કિમી જેટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો. બે થી ત્રણ કલાક સુધી વાહનો જે તે સ્થળે ઉભા થઇ ગયાં હતાં. કેટલાંક વાહનો રોંગ સાઇડથી જવાનો પ્રયાસ કરતાં બીજી તરફ પણ વાહન વ્યવહાર મંદ પડી જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. નબીપુર પોલીસે તુરંત સ્થળ પર દોડી જઇ વાહન વ્યવહાર સામાન્ય કરી બનાવને પગલે પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.
કેમિકલની વાસથી લોકોમાં ફફડાટ ફેલાયો
અકસ્માત બાદ ટેન્કર પલટી જતાં થોડા અંશે કેમિકલ ઢોળાયું હતું. જેની તિવ્રવાસ ફેલાવા સાથે આંખોમાં બળતરા જેવું લાગતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બીજી તરફ ટેેન્કરમાં કોઇ જ્વલનશીલ પદાર્થ હોય અને મોટી દુર્ઘટના સર્જાય તેની પણ ભિતી સેવાઇ રહી હતી.
નબીપુર ફાટક પાસે વાહનોનો જમાવડો
હાઇવે પર ટ્રાફિક હોય ત્યારે ઘણા વાહન ચાલકો નબીપુરથી અંદરના માર્ગ ભરૂચ આવતાં હોય છે. હાલમાં કામગીરી માટે નબીપુર રેેલવે ફાટક બંધ હતી. જોકે, તે શરૂ થઇ જતાં રેલવે ફાટક પાસે બન્ને તરફના વાહનોની સંખ્યા વધી જતાં ત્યાં પણ ટ્રાફિકજામ સર્જાયો હતો.
અંદાજે ત્રણથી 4 કિમી સુધી ચક્કાજામ
ભરૂચ નેેશનલ હાઇવે પર રોજના 30 હજાર જેટલાં વાહનોની અવરજવર થતી હોય છે. ત્યારે અકસ્માતની ઘટનામાં તુરંત જ ચક્કાજામની સ્થિતી સર્જાય છે. લુવારા પાટિયા પાસે બનેલી અકસ્માતની ઘટના બાદ હાઇવેના બન્ને તરફ 3થી 4 કિમીનો ટ્રાફીકજામ થયો હતો.
બે ક્રેઇન મંગાવી ટેન્કર ઉભું કર્યું
ટેન્કરને ઉઠાવવા માટે પહેલાં એક ક્રેઇન બોલાવી હતી. જોકે તેનાથી ટેન્કર ભારી હોવાની ટેન્કર ઉભું ન થતાં બીજી ક્રેઇન પણ બોલાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.