આત્મનિર્ભર ભારત માટે એક પહેલ:દહેજના સોફ્ટ શિપયાર્ડમાં 25 ટનના 3 ટગ્સના તળિયા બિછાવાયા, ભારતીય નૌ સેનાને સબમરીન, વોરશીપને લાવવા લઈ જવામાં કરશે મદદ

ભરૂચ15 દિવસ પહેલા
  • સોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતીય નૌ-સેના માટે આ ટગ્સનું નિર્માણ
  • મહાબલી, બલજીત અને બજરંગ નામના ત્રણ ટગ્સ ભારતીય યુદ્ધ જહાજોની મદદ કરશે
  • ફાયર ફાઇટિંગ, શોધ અને બચાવમાં પણ આ ટગ્સ ઉપયોગી નીવડશે

ભરૂચ અને ખાસ કરીને દહેજ આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન તમામ ક્ષેત્રે આપી રહ્યું છે. દેશના આર્થિક, ઔદ્યોગિક, કૃષિ વિકાસ હોય કે પછી સંરક્ષણ ક્ષેત્રે ભરૂચ મેક ઈન ઈન્ડીયામાં ગૌરવ વધારી રહ્યું છે. આ પહેલ હેઠળ દહેજના સોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભારતીય નૌ-સેના માટે 25 ટનના એક એવા 3 ટગ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ ટગ્સ જહાજ અને સબમરીનને ખેંચવા માટે ઉપયોગી થશે. 7 મહિનામાં જ રૂપિયા 84.75 કરોડના ખર્ચે ત્રણ ટગ્સનું નિર્માણ કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી રહ્યા છે. દહેજ શોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ ખાતે ત્રણ 25 ટનના બોલાર્ડ (જહાજ ખેંચવાના ખુટા) પુલ ટગ્સ (યાર્ડ 305 થી 307) ના તળિયાનું અનાવરણ કરવામાં આવ્યું છે. દહેજમાં ત્રણ 25 ટન બોલાર્ડ પુલ ટગ્સના નિર્માણ માટેનો કોન્ટ્રાક્ટ મેસર્સ શોફ્ટ શિપયાર્ડ પ્રાઇવેટ લિમિટેડ સાથે 12 નવેમ્બર 2021 ના રોજ રૂપિયા 84.75 કરોડ રૂપિયાના ખર્ચે ભારત સરકારની આત્મનિર્ભર ભારત પહેલ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

30 વર્ષનું સર્વિસ લાઇફ (આયુષ્ય) ધરાવે છે આ ટગ્સ
આ ટગ્સ એકસાથે બનાવવામાં આવી રહ્યા છે. 30 વર્ષનું સર્વિસ લાઇફ (આયુષ્ય) ધરાવતા આ 3 ટગ્સ નૌકાદળના જહાજો અને સબમરીનને બર્થિંગ, અન-બર્થિંગ અને મર્યાદિત પાણીમાં દાવપેચમાં મદદ કરવા સક્ષમ હશે. ટગ્સ જહાજોની સાથે અને લંગર પર તરતી અગ્નિશામક (ફાયર સેફટી) સહાય પણ પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ મહાબલી, બલજીત અને બજરંગ ટગ્સ મર્યાદિત શોધ અને બચાવ કામગીરીમાં પણ ઈન્ડીયન નેવીને ઉપયોગી થશે.

ફ્લોટિંગ ફાયર ફાઈટરની સહાય પણ પ્રદાન કરશે
25 ટનનું એક એવા 3 ટગ્સ સમુદ્રમાં યુદ્ધ જહાજો કે નેવી શિપ, સબમરીનને લાવવા લઈ જવા, એન્કરેજ કરવા તેમજ ફ્લોટિંગ ફાયર ફાઈટરની સહાય પણ પ્રદાન કરશે. ત્રણેય 25 T બોલાર્ડ પુલ ટગ્સ યાર્ડ 305 - મહાબલી, યાર્ડ 306 - બલજીત અને યાર્ડ 307 - બજરંગ માટે Keel Laying 10 જૂનના રોજ દહેજ મેસર્સ શોફ્ટ લિમિટેડ શિપયાર્ડ ખાતે મુંબઈ યુદ્ધ જહાજ પ્રોડક્શન સુપરિન્ટેન્ડેન્ટ Cmde કોમોડોર સુનિલ કૌશિક દ્વારા મૂકવામાં આવી હતી. સ્વદેશી ઉત્પાદકો પાસેથી મેળવેલા તમામ મુખ્ય અને સહાયક સાધનો, સિસ્ટમો સાથે આ ટગ્સ સંરક્ષણ મંત્રાલયની મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ પહેલના ગૌરવપૂર્ણ સીમાચિન્હો છે.

ભારતીય નૌકાદળને ઉર્જા પ્રભા જહાજ સમર્પિત કરાયું હતું
દહેજ સોફ્ટ શિપયાર્ડ દ્વારા હાલમાં જ ભારતીય નૌકાદળને ઉર્જા પ્રભા જહાજ સમર્પિત કરાયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોને ઉર્જા પ્રભા જહાજ લોજેસ્ટિક સ્પોર્ટ પૂરો પાડી રહ્યું છે. વર્ષ 2004 થી દહેજમાં સ્થાપિત સોફ્ટ શિપયાર્ડ બિલ્ડીંગ ખાતે અત્યાર સુધી 15 વર્ષમાં 61 વેસલ્સનું નિર્માણ કરી ડિલિવરી અપાઈ છે. દેશમાં યુદ્ધ જહાજ બનાવવા માટે સોફ્ટ શિપયાર્ડ GOIનું ઔદ્યોગિક લાયસન્સ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...