દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઇડ બનાવતી વેળા બ્લાસ્ટ સર્જાયો હતો. જેમાં ભીષણ આગ લાગતાં 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લવાયા હતા. આ દુર્ઘટનામાં કુલ 32 કામદારો ઘાયલ થયા હતા, જેમાંથી 2નું મોત નીપજ્યું હતું. તેમજ 7ને OPDમાં જ સારવાર બાદ રજા અપાઈ હતી. જેથી હાલમાં 27 કામદારો સારવાર હેઠળ છે.
બ્લાસ્ટ સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઇડ બનાવતી વેળા સર્જાયો
દહેજ ભારત રસાયણ કંપનીમાં સાયપર મેથ્રિક એસિડ ક્લોરાઇડ બનાવતી વેળા બ્લાસ્ટ સર્જાયો હતો. જો કે આ ઘટના બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થે ઉત્પાદનની પ્રક્રિયા પર પ્રતિબંધ લાદ્યો હતો. આ સિવાય કંપનીએ બે મૃતકોના પરિજનોને રૂ. 15 લાખ ચૂકવવા તૈયારી બતાવી છે અને ચાલુ પગારે તમામ ઇજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ પણ કંપની ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે મેજર બ્લાસ્ટ અને ફાયરમાં ગઇકાલે મંગળવારે કુલ 36 કામદારો ઘવાયા હતા. જેમાં 2નાં મોત થયાં હતાં, 7ને OPDમાં જ સારવાર બાદ રજા અપાઈ હતી, તેમજ હજી પણ 4 ICUમાં સારવાર હેઠળ છે.
પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું
દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા જિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
વિવિધ કંપનીના ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સના સતત સાયરનોની ગુંજથી દહેજ રોડ અને ઔદ્યોગિક વસાહત ગુંજી ઉઠી હતી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાશન સ્થળ ઉપર દોડી આવ્યું હતું. એક બાદ એક આવતી એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત કામદારોને ભરૂચ સારવાર અર્થે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.
સમયાંતરે ધડાકા થયા
6થી 8 જેટલી એમ્બ્યુલન્સ સ્થળ પર ઉમટી પડી હતી. જ્યારે 10 જેટલા ફાયર ટેન્ડરોએ ધસી આવી પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો ઘટના સ્થળથી 3થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતો હતો.
કંપનીને હાલમાં જ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે
રાત્રે એક વાગ્યે આગ પર કાબુ મેળવાઇ હતી. હજી ઘટના સ્થળે જઇ શકાયું નથી. આગ સંપુર્ણ ઓલવાયાં બાદ હજી સુધી કંપની સંકુલમાં કોઇ કર્મીનો મૃતદેહ મળ્યો નથી. ટીમો દ્વારા સ્થળ પર ઝીણવટભરી તપાસ કર્યાં બાદ જ આગ લાગ્યાનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.> આશુતોષ મેરૈયા, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ભરૂચ
હું બોઇલરના પ્લાન્ટમાં કલરકામ કરતો હતો તેવામાં બ્લાસ્ટ થયો
હું કંપનીના બોઇલર પ્લાન્ટમાં બોઇલર તેમજ તેના પાઇપને કલર મારવાનું કામ કરી રહ્યો હતો. તે વેળાં ડી પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ થતાં તેના વાઇબ્રેશનના ઝટકાથી હું પડી ગયો હતો. મારી સાથેના અન્ય કર્મીઓ પણ ઘવાયાં હતાં. મને ઇજાઓ થઇ હતી. તેમ છતાં હિંમત કરીને હું કંપનીના ગેટ તરફ ભાગ્યો અને પોતાનો જીવ બચાવ્યો હતો. જોકે, બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે મને કોઇ જાણ નથી.> નારાયણ સરદાર, ઇજાગ્રસ્ત.
આગ 10 કલાકે કાબૂમાં આવી, 15 કલાક બાદ સંપૂર્ણ ઓલવાઇ
કંપનીમાં મંગળવારે બપોરે 3.30 વાગ્યે લાગેલી આગ ઓલવવા આસપાસની કંપનીઓ,અંક્લેશ્વર ડીપીએમસીમાંથી મંગાવેલાં ફાયર ટેન્ડરો સહિત 10થી વધુ ફાયરની ટીમોએ આગ ઓલવવામાં જોતરાઇ હતી. રાત્રીના 1 વાગ્યાના અરસામાં આગ કાબુમાં આવી હતી. જ્યારે સવારે 6 વાગ્યાની આસપાસ સંપુર્ણ ઓલવાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.