જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં ‘આરોગ્ય ઉત્કર્ષ પહેલ’ હેઠળ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧લી મે-ગુજરાત સ્થાપના દિનથી જરૂરિયાતમંદોને ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ આપવા તંત્રનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર તાલુકાના ગડખોલ પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ માટેનો રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ જરૂરી પુરાવા સાથે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કેમ્પની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત લઈ ચાલતી કામગીરીનું ઝીંણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કલેક્ટરે ઉપસ્થિત લાભાર્થીઓને પણ જરૂરી પૃચ્છા કરી હતી.
આ વેળાએ કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, 15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ જોગ સંબોધન કરતાં તેમના આહવાન બાદ ઉત્કર્ષ પહેલમાં સમાવેલી વિધવા, નિરાધાર અને વૃધ્ધ સહાયની ચાર યોજનામાં સો ટકા સિધ્ધિ ભરૂચ જિલ્લાએ હાંસલ કરતાં જેના ભાગરૂપે 1લી મે થી 10મી મે દરમિયાન “આરોગ્ય ઉત્કર્ષ પહેલ”નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વધુમાં ઉમેર્યું હતું કે, જે નાગરિકોના મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ બ્લોક થયા હોયે તેઓને PMJAY આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવાની કામગીરી પણ કરવામાં આવશે.
તાજેતરમાં આશા વર્કરો દ્વારા ડોર ટુ ડોર જઇ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં કોઈ લાભાર્થીઓ પાસે આવકનો દાખલો ન હોય તેની યાદી આશા મારફતે તલાટી કમ મંત્રીને સોંપી સત્વરે આવકના દાખલા કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાલુકા કક્ષાએ તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા પ્રાંત ઓફિસર દ્વારા પોતાના તાલુકાનું ગામદીઠ PMJAY આયુષ્યમાન કાર્ડ માટે ખાસ કેમ્પ પણ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.