સમસ્યા:ભરૂચમાં દિવાળીની ખરીદી વચ્ચે આજે સાંજથી અંધારપટ છવાશે

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના કર્મચારીઓ સ્ટ્રીટલાઇટની કામગીરી કરશે નહિ

ભરૂચમાં દિવાળીની ખરીદી નીકળી છે તેવામાં નગર પાલિકાના કર્મચારીઓની હડતાળના પગલે આજે બુધવારે સાંજથી શહેરમાં અંધારપટ છવાઇ જશે. આજે પાલિકા કર્મચારીઓ સ્ટ્રીટલાઇટને લગતી કોઇ પણ કામગીરી કરશે નહિ.ભરૂચ શહેરમાં છેલ્લા 3 મહિનાથી સ્ટ્રીટલાઇટના ધાંધિયા જોવા મળી રહયાં છે તેવામાં ફરી એક વખત દીવાળી ટાણે અંધારપટની સ્થિતિ ઉભી થશે. દિવાળીના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે ભરૂચના બજારોમાં ધુમ ખરીદી નીકળી છે. બીજી તરફ ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ શનિવારથી અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે.

મંગળવારે શહેરમાં અપાતો પાણી પુરવઠો બંધ રાખી તેમણે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આજે બુધવારે તેઓ સ્ટ્રીટલાઇટ બંધ રાખવાનો કાર્યક્રમ આપશે. ભરૂચના બજારોમાં દિવાળીના પર્વને અનુલક્ષી દુકાનોને શણગારવામાં આવી છે અને બજારોમાં ખરીદી નીકળી છે તેવામાં સ્ટ્રીટલાઇટો બંધ રહેવાથી શહેરમાં અંધારપટ છવાઇ જશે.

આજથી પાણી રાબેતા મુજબ મળશે
ભરૂચ શહેરના 45 હજાર કરતાં વધારે ઘરોમાં નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે. કર્મચારીઓની હડતાળના કારણે મંગળવારે શહેરમાં અપાતો પાણી પુરવઠો બંધ રાખવામાં આવતાં ગૃહિણીઓને ભારે તકલીફ વેઠવી પડી હતી. આજે બુધવારથી ભરૂચ નગરપાલિકાની શહેરની તમામ ઓવરહેડ ટાંકીઓ, સંપો, પંપીંગ સ્ટેશનો પરથી સવારના સમયે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશેે.

અન્ય સમાચારો પણ છે...