ભરૂચની દીકરીઓને મળી સહાય:જિલ્લા ભાજપે વધુ 500 બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવ્યો, અત્યારસુધીમાં 1800 દીકરીઓને મળ્યો લાભ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 1800 દીકરીઓના રૂ. 1000 જમા કરી ખાતાં ખોલાવાયાં
  • PM મોદીના 72મા જન્મદિન સુધીમાં 7272 ગરીબ દીકરીનાં ખાતાં ખોલાવવાની નેમ

ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા દિવ્યાંગ, કોરોનામાં માતાપિતા અથવા બેમાંથી એક ગુમાવનાર અને આર્થિક રીતે પછાત જેની ઉંમર 10 વર્ષથી ઓછી છે, એવી 500 બાળકીઓના ખાતામાં આજે ગુરૂવારે રૂ. 1000 ડિપોઝીટ કરવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં અત્યાર સુધી 1800 દીકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ ખાતાં ખોલવામાં આવ્યાં છે.

વધુ 500 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલવા માટે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના પ્રયાસોથી તેમના દ્વારા એકત્ર કરાયેલા 5 લાખની રકમનો ચેક ભરૂચ જિલ્લાના અસ્મિતા વિકાસ કેન્દ્રને સુપર્ત કરાયો હતો. જેમાં 10 વર્ષથી નીચેની દિવ્યાંગ બાળકીઓ, કોરોનામાં માતાપિતા ગુમાવ્યા હોઈ એવી બાળકીઓ, આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોઈ તેવી બાળકીઓ આવરી લેવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવવા માટે આયોજનબદ્ધ રીતે અત્યાર સુધી જિલ્લા ભાજપ દ્વારા કામગીરી ચાલી રહી છે. ગરીબ પરિવારની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ દીકરી મોટી થાય અને તેના ભણતર તેમજ લગ્ન પ્રસંગમાં આર્થિક ભારણ ન આવે એવા શુભઆશયથી ભાજપાના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા લેવાયેલા સંકલ્પ થકી આ યોજનાનો લાભ 10 વર્ષની નીચેની ઉંમરની 1800 બાળકીઓને હાલમાં આપવામાં આવ્યો છે.

વર્ષ 2022ની 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ સુધી વધુમાં વધુ 7272 જેટલી બાળકીઓને લાભ આપવાના પ્રસાયો ભરૂચ જિલ્લા ભાજપ, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તેમજ વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે ભાજપાના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, મંત્રી નિશાંત મોદી, દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા મહિલા પ્રમુખ કામિનીબેન પંચાલ, અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી સમીર પટેલ, યશવંત પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...