અકસ્માત:કતપોર જઇ રહેલા શ્રદ્ધાળુઓની કારનું ટાયર ફાટતાં એકનું મોત

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટ પાસે આવેલા વાંસનોલી ગામ પાસે ગમખ્વાર અકસ્માત

અંક્લેશ્વર નિરાતનગર સોસાયટી ખાતે રહેતાં ગિરીશ કાલીદાસ આહિર તેમજ તેના મિત્રોએ કતપોર ગામે આવેલાં ખોડિયાર મંદિરે દર્શને જવાનો પ્લાન બનાવ્યો હતો. જેના પગલે તેના મિત્ર રવિન્દ્ર રમણ વસાવાએ તેની કાર લેતાં અન્ય મિત્ર દક્ષ નિલેશ જોષી ( રહે. શ્રીજી દર્શન સોસાયટી) એ કાર ચલાવી હતી. જ્યારે ગિરીશ, રવિન્દ્ર સહિત અન્ય મિત્ર અંકિત દશરથ વસાવા, ભાવેશ હસમુખ ચૌહાણ, મહેશ નારણ આહિર તેમજ અશ્વિન રમેશ વસાવા પણ કારમાં બેઠાં હતાં.

સાતેય મિત્રો માઇ દર્શનાર્થે જઇ રહ્યાં હતાં તે વેળાં વાંસનોલી ગામ પાસે કોઇ કારણસર તેમની કારનું ટાયર અચાનક ફાટી જતાં દક્ષે કાબુ ગુમાવતાં કાર વૃક્ષમાં ભટકાઇ ગઇ હતી. જેના પગલે કારમાં પાછળ બેસેલાં અંકિત, ભાવેશ અને મહેશ ત્રણેય જણા કારમાંથી ફેંકાઇ ગયાં હતાં. તેઓએ તુરંત જઇને જોતાં ત્રણેયને ઇજાઓ થઇ હોઇ 108ની મદદથી તેમને અંક્લેશ્વરની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં તબીબે અંકિત દશરથ વસાવાનું મોત થયાનું જ્યારે ભાવેશ અને મહેશની હાલ ગંભીર હોવાનું જણાવ્યું હતું. બનાવને પગલે તેમણે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...