ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભૂત બેરેજ, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન યોજનામાં જમીન સંપાદિતનને લઈ વળતર ચુકવવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ જો વહેલી તકે વળતર નહી ચૂકવાય તો કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના ખેડૂત આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનાઓમાં જમીનો સંપાદિત કરવામાં આવી છે.
આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન અધિનિયમ 2013ની કલમ 26(2) મુજબ વળતર ચુકવાયું છે. ત્યારબાદ જ ખેડૂતોને જમીનનો કબ્જો સુપ્રત કર્યો છે જે યોજના પ્રમાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વળતર ન આપી આશ્વાસન જ આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ જો વહેલી તકે વળતર નહી ચૂકવાય તો જે રીતે માંગરોળ તાલુકાના ખેડૂતોએ કામગીરી અટકાવી તે જ રીતે કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
કાંસિયા ગામના એવોર્ડના દસ્તાવેજ ખેડૂતોએ સળગાવ્યાં
વહિવટી તંત્રએ જે તે સમયે સુરત, નવસારી અને વલસાડમાં જે પ્રમાણે જંત્રી ચુકવાઇ છે. તે પ્રમાણે જિલ્લામાં સંપાદન થયેલી જમીનના અસરગ્રસ્તોને ચુકવણું કરવાની બાંહેધરી આપી હતી. જોકે, અધિકારીએ કાંસિયાના અસરગ્રસ્તોને 2010-11ની જંત્રી પ્રમાણે એવોર્ડ આપ્યાં છે. જેના વિરોધ સાથે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ એવોર્ડની હોળી કરી હતી.
વહીવટી તંત્રે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો
સુરત, નવસારી અને વલસાડમાં જ્યાં સુધી વળતર નહીં ત્યાં સુધી જમીન નહીં ના સિંધાત પર કામ થયું હતું. જ્યારે ભરૂચ જિલ્લામાં ખેડૂતોએ હસતા હસતા પોતાની જમીનો સંપાદન માટેની તૈયારીઓ દાખવી હતી. તેમ છતાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઓછુ અને 10 વર્ષ જૂની જંત્રી પ્રમાણે વળતર ચુકવવામાં આવતાં જિલ્લાના ખેડૂતો સાથે વહિવટી તંત્રએ વિશ્વાસઘાત કર્યો હોય તેમ લાગી રહ્યું છે. > કૈયુમન કેળાવાલા, ખેડૂત, બોરભાઠા.
અમે માધ્યમ બનીને ખેડૂતોને વળતર અપાવીશું
હું જ્યારે પ્રમુખ ન હતો ત્યારે પણ આ મુદ્દામાં ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઇએ એ માટેના પ્રયાસ હતાં. પરમદિવસે કલેક્ટર પર ઉપરથી કોઇ પ્રેશર હશે એટલે તેમણે આવો એવોર્ડ (વળતર) ચુકવ્યો હશે. જે જાહેર થતાં અમારા પર ખેડૂતોના ફોન આવ્યાં હતા. તેથી તેમના ઓર્ડરનીકોપી મંગાવી પ્રદેશ અધ્યક્ષ, પ્રભારીને ફોર્વડ કરી વળતર વધારવા માટેની રજૂઆત કરી છે. ખેડૂતોના હિત માટે અમે માધ્યમ બનીને યોગ્ય વળતર મળે તેવા પ્રયાસ કરીશું. > મારૂતિસિંહ અટોદરિયા, ભાજપ જિલ્લા પ્રમુખ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.