ખોરાક શોધતી ગાયો:દિવાળી ટાણે જ ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા ગંદકીનો શણગાર!

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરામાં ખોરાક શોધતી ગાયોના દ્રશ્યોથી હિન્દુઓની લાગણી દુભાઇ

ભરૂચ શહેરમાં એક તરફ દિવાળીની શરૂઆત થઇ જતાં લોકો પોતાના ઘરોને શણગારી દીધાં છે. વહિવટી તંત્ર દ્વારા પણ દિવાળી પર્વને લઇ સરકારી ઇમારતોને રોશની કરી ભરૂચની ભવ્યતાના દર્શન કરાવવાના પ્રયાસ થઇ રહ્યાં છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાલિકા દ્વારા કચરો નહીં ઉપાડાતાં તહેવારોમાં પણ શહેરમાં ગંદકીના દ્રશ્યો દેખાઇ રહ્યાં છે.

ભરૂચ શહેર જિલ્લામાં દિવાળીના પર્વનો થણગણાટ જોવા મળી રહ્યો છે. તહેવારની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકોએ પોતાના ઘરોને તેમજ કોમ્પલેક્ષ, દુકાનો સહિતને શણગારવામાં આવ્યાં છે. બીજી તરફ ભરૂચ પાલિકા પણ શહેરને સુશોભિત અને લીવેબલ હોય તેવું બતાવવા માટે શહેરને શણગારવામાં જોતરાઇ છે. જોકે, શહેરના મુળભુત પ્રશ્ન એવા નિયમિત સફાઇને તરફ પાલિકા બેધ્યાન હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

શહેરના અનેક વિસ્તારોમાં પાલિકા દ્વારા દિવાળીમાં પણ સફાઇ તરફ બેદરકારી રખાઇ હોવાનું જણાયું છે. ત્યારે શહેરના કલેક્ટર કચેરી પાસે આવેલાં આંબેડકર ભવન નજીક તેમજ અન્ય સ્થળોએ ઉભરાતી કચરા પેટીઓના દ્વશ્યોએ પાલિકાની સફાઇ કામગીરીની પોલ ખોલી રહી છે. બીજી તરફ પાલિકાની કચરાપેટી પાસે ગૌવંશ ખોરાક માટે કચરો ફંફોસતી હોવાના દ્રશ્યો જોઇને હિન્દુઓની લાગણીઓ દુભાઇ હતી. પાલિકાની કામગીરીને લઇને પણ રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, સમાજના અન્ય તબક્કાએ પશુપાલકોના વાંક કાઢ્યાં હતાં.

પહેલી રોટલી ગાયને, બીજી શ્વાનની, એ સંસ્કૃતિ વિસરાઇ
ભારતિય સંસ્કૃતિમાં પશુઓનું અનેરૂં મહત્વ છે. તેમાંય ગૌવંશ એ ધાર્મિક મહત્વ ધરાવ છે. ભારતિય સંસ્કૃતિમાં ઘરમાં રસોઇ બનાવે તો તેમાં પહેલી રોટલી ગાય અને બીજી રોટલી શ્વાન માટે બનાવાય છે. ત્યારે આધુનિક યુગના પ્રભાવમાં આવી લોકો પોતાની સંસ્કૃતિ ભુલીને હવે તેને જુનવાણી વિચાર માની તેને અનુસરતા નથી.

કચરામાંથી ખોરાક શોધવા ગૌવંશ મજબૂર, વાંક માલિકનો કે પાલિકાનો તે યક્ષ પ્રશ્ન
એક તરફ પાલિકા દ્વારા થોડા સમય પહેલાં રખડતાં પશુઓને પકડવા માટેની ઝૂંબેશ હાથ ધરી પશુઓને પાંજરાપોરમાં ડબે પુર્યાં હતાં. પશુમાલિકો દ્વારા પાલિકાની કામગીરીને લઇને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, બાદમાં પશુઓને દંડ ભરીને મુક્ત કરવા છતાંય પશુમાલિકો દ્વારા જૈ સે થૈની સ્થિતી ઉભી કરી છે.

જેના કારણે શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર અડિંગો જમાવતાં ગૌવંશ અકસ્માતોને ઇજન સમાન બની રહ્યાં છે. બીજી તરફ પાલિકા દ્વારા નિયમિત સફાઇ ન કરાતાં કચરાના ઢગલામાંથી ગૌવંશ ખોરાક આરોગતી હોવાને કારણે પશુઓના સ્વાસ્થ્ય પર પડતી અસર માટે કોને કારણભૂત સમજવા તે અંગે યક્ષ પ્રશ્ન સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...