વાહનચાલકોના માથે જોખમ:જૂના નંદેલાવ બ્રિજથી પસાર થતાં 30 હજાર વાહનચાલકોના માથે જોખમ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભરૂચનો જુનો નંદલાવ બ્રિજ વાહનવ્યવહાર માટે જોખમી બની રહયો છે. - Divya Bhaskar
ભરૂચનો જુનો નંદલાવ બ્રિજ વાહનવ્યવહાર માટે જોખમી બની રહયો છે.
  • મોરબીની ઘટના બાદ રિપેરિંગની કામગીરી વેગવંતી બનાવાઇ : જૂન મહિનામાં ફૂટપાથ તૂટી પડવાની ઘટના પણ બની હતી

ભરૂચના નંદેલાવ બ્રિજનો ફુટપાથના ધરાશાયી થયેલા ભાગ તથા રેલિંગની કામગીરી મોરબીમાં બનેલી ઘટના બાદ વેગવંતી બનાવી દેવામાં આવી છે. મોરબીની ઘટના બાદ જીએસઆરડીસીએ પુલની મજબુતાઇની ચકાસણી કરાવી હતી જેમાં પુલ વાહનવ્યવહાર માટે યોગ્ય હોવાનો રીપોર્ટ આવતાં વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવી છે. જો કે બ્રિજ જર્જરીત હોવાથી વાહનચાલકોના માથે જોખમ કાયમ રહેલું છે.

ભરૂચના નંદેલાવ ફાટક ઉપર 1994ની સાલની આસપાસ બે લેનનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો જેના પરથી વાહનવ્યહવાર શરૂ કરાયો હતો પરંતુ સમયાંતરે વાહનોની સંખ્યામાં વધારો થતાં આ પુલની બાજુમાં નવા પુલનું નિર્માણ કરાયું હતું. આશરે 28 વર્ષ પહેલાં બનેલા પુલના ફુટપાથનો ભાગ જુન મહિનામાં ધરાશાયી થઇ ગયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

બ્રિજનો ફુટપાથ ધરાશાયી થયા બાદ થોડા સમય માટે પુલને બંધ કરી દેવાયો હતો પણ એન્જિયનિયરોના રીપોર્ટ બાદ ફરીથી તેના પર વાહનોની અવરજવર ચાલુ કરવામાં આવી છે.તાજેતરમાં મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની ઘટનામાં 135થી વધારે લોકોના મૃત્યુ થયાં છે. મોરબીની ઘટના બાદ રાજય સરકારે જેટલા પણ જર્જરીત બ્રિજ છે તેના પરથી વાહનવ્યહવાર બંધ કરાવી દેવા સુચના આપી હતી.

ભરૂચના નંદેલાવ બ્રિજનું પણ નિષ્ણાંતો પાસે તપાસ કરાવવામાં આવી છે અને મોરબીની ઘટના બાદ પુલના રીપેરીંગની કામગીરી વેગવંતી બનાવી દેવામાં આવી છે. જીએસઆરડીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટુંક સમયમાં હવે એલીવેટેડ કોરીડોરની કામગીરી શરૂ કરવામાં આવશે.

એલિવેટેડ કોરિડોર સિવાય વિકલ્પ નથી
જુના નંદેલાવ બ્રિજ પરથી રોજના 30 હજાર કરતાં વધારે વાહનોની અવરજવર રહેતી હોય છે. દહેજ જીઆઇડીસીના કારણે આ માર્ગ વાહનોથી ભરચક રહે છે. હાલ તો જોખમી બનેલાં જુના બ્રિજ પરથી વાહનોને ચાલુ રાખવામાં આવ્યાં છે. એબીસી ચોકડીથી શેરપુરા ગામ સુધી એલીવેટેડ કોરીડોર બનાવવા માટે ટેન્ડર પણ બહાર પાડી
દેવાયું છે. પરંતુ જયાં સુધી એલીવેટેડ કોરીડોર નહિ બને ત્યાં સુધી તો જોખમ રહેલું છે.

અન્ય સમાચારો પણ છે...